ફતેપુરાના વડવાસ ગામે 37 વર્ષીય પરણિતાને પતિ દ્વારા ત્રાસ આપી મરવા માટે દુષ્પ્રેરણા આપતાં ગળે ફાંસો ખાઈ આપધાત કર્યો

દાહોદ, પતિ દ્વારા અવારનવાર શારીરિક અને માનસિક ત્રાસ ગુજારી મરવા માટે દુષપ્રેરણા આપવામાં આવતા ફતેપુરા તાલુકાના વડવાસ ગામની 37 વર્ષીય પરિણીત યુવતીએ ભીચોર ગામે પોતાના કાકાના જુના મકાનમાં લાકડાના સરા સાથે ઓઢણી વડે ગળે ફાંસો ખાઈ મોતને ગળે લગાવી લેતા ફતેપુરા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.

દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના ભીચોર ગામની 37 વર્ષીય સુનિતાબેનના લગ્ન ફતેપુરા તાલુકાના વડવાસ ગામના ઉડાવેળા ફળિયામાં રહેતા રામાભાઇ ભેમાભાઈ પારગી સાથે સમાજના રીત રિવાજ મુજબ થયા હતા. રામાભાઇ પારગી પોતાની પત્ની સુનીતાબેનને અવારનવાર કોઈ પણ કારણ વિના શારીરિક અને માનસિક ત્રાસ આપતો હોવાથી કંટાળીને સુનિતાબેન ભીચોર ગામે પોતાના પિયરમાં ચાલી ગઈ હતી. અને ગત તારીખ 17- 5 -2024ના રોજ સુનીતાબેન વડવાસ ગામે તેની સાસરીમાં સવારમાં વહેલા પોતાના અભ્યાસના ડોક્યુમેન્ટની ફાઈલ લેવા ગઈ હતી. તે વખતે તેના પતિ રામાભાઈ પારગીએ તેણીની સાથે ઝઘડો કરી બેફામ ગાળો બોલી તને કોઈ ફાઈલ મળશે નહીં. તું આજે મરે કે કાલે મરે, મારે કોઈ લેવાદેવા નથી. મારે તારૂં મોઢું પણ જોવું નથી. તું મરી જાય તો પણ તને તારી કોઈ ફાઈલ મળશે નહીં. તેમ કહી મરવા માટે દુષપ્રેરણા આપતા રોજે રોજના આવા ત્રાસથી છુટકારો મેળવવા સુનીતાબેને ગામમાં આવેલા પોતાના કાકાના જૂના ઘરમાં લાકડાના સરા સાથે ઓઢણી વડે ગળે ફાંસો ખાઈ મોતને ગળે લગાવી લીધું હતું. આ સંબંધે મરણ જનાર સુમિત્રાબેનના ભાઈ ભીચોર ગામના રાહુલભાઈ લખાભાઇ માલે ઉપરોક્ત કેફિયત ભરી ફરિયાદ ફતેપુરા પોલીસ સ્ટેશને નોંધાવતા પોલીસે આ સંદર્ભે વડવાસ ગામના રામાભાઈ ભેમાભાઈ પારગી વિરૂદ્ધ ગુનો નોંધી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.