
દાહોદ, દાહોદ જીલ્લામાં ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં દાહોદ તાલુકાના ભાઠીવાડા ગામે રહેતાં એક યુવકની જાન મધ્યપ્રદેશના ઝાબુઆ મુકામે ગઈ હતી અને ત્યાંથી દુલ્હનને લઈ વરરાજા તથા તેમના પરિવારજનો પરત ભાઠીવાડા આવી રહ્યાં હતા. ત્યારે રસતામાં નવાગામ ચાર રસ્તા પાસે 14 જેટલા ઈસમો મોટરસાઈકલ મારક હથિયારો ધારણ કરી આવી વરરાજાની પત્નિ (દુલ્હન)ને બળજબરી પુર્વક પોતાની મોટરસાઈકલ પર બેસાડી અપહરણ કરી લઈ નાસી જતાં ઘટનાને પગલે દાહોદ જીલ્લામાં ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે. ઘટનાને પગલે દાહોદ જીલ્લાનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે જુદી જુદી ટીમો બનાવી આરોપીઓના ધરપકડના ચક્રોગતિમાન કર્યાનું જાણવા મળે છે.

દાહોદ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા લથડતી હાલતમાં જોવા મળી રહ્યો છે. ચોરી,લુંટ, મર્ડર, વિદેશી દારૂની હેરાફેરી સહિતની પ્રવૃતિઓ દાહોદ જીલ્લામાં દિનપ્રતિદિન વધી રહી છે. ત્યારે આવા સમયે દાહોદ જીલ્લામાં એક ચકચારી બનાવ સામે આવતાં દાહોદ જીલ્લા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠવા પામ્યાં છે. દાહોદ તાલુકાના ભાઠીવાડા ગામે અમલીયાર ફળિયામાં રહેતાં 23 વર્ષિય રોહીતભાઈ બાબુભાઈ અલીયારના લગ્ન મધ્યપ્રદેશના ઝાબુઆ જીલ્લામાં રહેતા 22 વર્ષિય ઉષાબેન સાથે નક્કી થયા હતાં. ગતરોજ રોહીતભાઈની જાન ઝાબુઆ ખાતે પોતાના પરિવારજનો તેમજ સમાજના લોકો સાથે ફોર વ્હીલર ગાડીઓમાં બેસી પહોંચી હતી. લગ્ન પતાવી રાત્રીના નવેક વાગ્યાના આસપાસ રોહીતભાઈ પોતાની નવવધુ પત્નિ ઉષાબેનને પરિવારજનો તેમજ સમાજના લોકોને લઈ પરત પોતાના ઘરે આવી રહ્યાં હતાં તે સમયે રસ્તામાં મોટરસાઈલો પર હાથમાં મારક હથિયારો લઈ આવેલા મહેશભાઈ તોફાનભાઈ ભુરીયા (રહે. મેઘનગર, જી. ઝાબુઆ, મધ્યપ્રદેશ), નીલેશબાઈ લોબાનભાઈ ભાભોર, નરેશભાઈ ભાભોર (બંન્ને રહે. ગુંદિખેડા, તા.જી.દાહોદ), શૈલેષભાઈ બાબુભાઈ માવી તથા તેમની સાથે અન્ય દશેક જેટલા ઈસમોએ રોહીતભાઈ તથા તેમના પરિવારજનો તેમજ સમાજના લોકોને બાનમાં લઈ રોહીતભાઈની ફોર વ્હીલર ગાડીમાં બેઠેલ રોહીતભાઈની નવવધુ પત્નિ ઉષાબેનની ખેંચતાણ કરી બળજબરીપુર્વક ઉષાબેનને મોટરસાઈકલ પર બેસાડી રાત્રીના અંધારામાં ઉપરોક્ત ઈસમો મોટરસાઈકલો લઈ પરણિતાનું અપહરણ કરી લઈ નાસી ગયાં હતાં. ઘટનાની જાણ ગામમાં, પરિવારજનો તેમજ સમાજના લોકોમાં થતાં ચકચાર સાથે સ્તબ્ધતા વ્યાપી જવા પામી હતી. ત્યારે મોડી રાત્રીએ આ ઘટનાની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં સ્થાનીક પોલીસે દાહોદ જીલ્લા પોલીસની સાથે સાથે ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસે આરોપીઓને પકડી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી આરોપીઓના ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે ત્યારે આ સંબંધે રોહીતબાઈ બાબુભાઈ અમલીયારે કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

દાહોદ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા માત્ર દારૂબંધી સુધી સમીત ? : દાહોદ શહેરની પડાવ વિસ્તાર પોલીસ ચોકીની નજીક જ પોલીસની રહેમ નજરો હેઠળ તેમજ હપ્તાખોરીના માહોલમાં ધમધમતા વિદેશી દારૂના અડ્ડાઓ…
દાહોદ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા કથળી રહી છે. ઉપરોક્ત બનાવમાં વરરાજા તેમજ જાનૈયાઓને બાનમાં લઈ 14 ઈસમો દ્વારા રાત્રીના સમયે નવવધુનું અપહરણ કરી લઈ જવાના આ બનાવને પગલે દાહોદ જીલ્લા પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠવા પામ્યાં છે. દાહોદ જીલ્લામાં નવા એસપી મુકાયાને લાંબો સમય થયો છે. ત્યારે દાહોદ જીલ્લામાં માત્ર વિદેશી દારૂની હેરાફેરી તેમજ બુટલેગરોને પકડવા સિવાય તેમજ ઘરફોડ ચોરીના નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સિવાય જીલ્લામાં પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉઠવા પામ્યાં છે. તેમાંય વિદેશી દારૂની વાત કરીએ તો દાહોદ જીલ્લામાં હપ્તાખોરીના માહોલમાં હાલ પણ ઠેર ઠેર વિદેશી દારૂના અડ્ડાઓ ધમધમતી રહ્યાં છે. દાહોદ શહેરમાં તો પોલીસ મથકોના જવાબદાર પોલીસ કર્મચારીઓ દ્વારા તોડપાણી કરવા માટે નવો કીમીયો અપનાવ્યો હોય તેમ લાગી રહ્યું છે. જેમાં વિદેશી દારૂના અડ્ડાઓ ઉપર પોલીસ રેડ ન કરી દારૂ પીવાના આદી લોકો જ્યારે અડ્ડાઓ ઉપરથી વિદેશી દારૂ લઈ જતાં હોય છે. ત્યારે આવા લોકોની કેટલાંક પોલીસ મથકના કર્મચારીઓ દ્વારા તેઓ ઉપર નજર રાખી તેઓની પાસેથી માત્ર એક, બે દારૂની બોટલો સાથે ઝડપી પાડી પોલીસ કર્મચારીઓ આવા લોકોને પોલીસ મથકે લાવી ડરાવી, ધમકાવી દારૂનો કેસ કરી નાંખીશ તેવી ધમકીઓ આપી માત્ર એક,બે મોટલોમાં હજ્જારો રૂપીયાનો લોકો પાસે તોડ કરી નાંખતાં હોવાની બુમો પણ જાહેર જનતામાં ઉઠવા પામી છે. ત્યારે વિદેશી દારૂના અડ્ડો પર પોલીસ કર્મચારીઓનો માસીક, સાપ્તાહિક તેમજ રોજનો હપ્તો બંધાયેલો હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. પરંતુ આવા વિદેશી દારૂના અડ્ડાઓ ઉપર રેડ પાડવાની જગ્યાએ દારૂ પીવાના આદી લોકોને માત્ર એક,બે બોટલો સાથે અટકાયત કરી તેઓની પાસેથી હજ્જારો રૂપીયોનો તોડ કરી નવો કીમીયો પોલીસ કર્મચારીઓ દ્વારા અપનાવવામાં આવી રહ્યો છે. દાહોદ શહેરના પડાવ વિસ્તાર ચોકીની નજીક બિલકુલ ગારખાયા વિસ્તાર આવેલો છે. આ વિસ્તારમાં ગલીએ ગલીએ વિદેશી દારૂના અડ્ડોએ છે. આ પોલીસ ચોકીની બિલકુલ નજીકમાં જ વિદેશી દારૂના અડ્ડાઓ હોવા છતાંય પોલીસ માત્ર એકલ, દોકલ જે લોકો આવા દારૂના અડ્ડાઓ ઉપરથી પીવા માટે એક,બે બોટલ લઈ જતાં હોય છે તેઓને પોલીસ કર્મચારીઓ પોતાનો શિકાર બનાવી મોટા પાયે તોડ કરી લેતાં હોય છે. આ દિશામાં પણ દાહોદ જીલ્લા પોલીસ દ્વારા આવી પોલીસ ચોકીઓ પર બાજ નજર રાખે અને આવી પોલીસ ચોકીઓની જીલ્લા પોલીસ વડા દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરે તો અનેક સઘળી હકીકતો બહાર આવે તેમ છે. આવોજ માહોલ દાહોદના રળીયાતી વિસ્તારનો છે જ્યાં પણ પોલીસના મોટા હપ્તાખોરીના માહોલમાં વિદેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યાં છે.