શહેરાના ભદ્રાલા પંચાયતમાં લગ્ન નોંધણી કોૈભાંડમાં 106 દંપતિના નોંધણી દસ્તાવેજો ઉપલબ્ધ નથી

શહેરા, ભદ્રાલાના તત્કાલિન તલાટી દ્વારા એક માસમાં 100થી વધુ લગ્ન નોંધણી કરી દીધી હોવાની શહેરા ટીડીઓની તપાસમાં બહાર આવ્યુ છે. તલાટી પી.એમ.પરમારે 6 માસમાં 571 લગ્ન નોંધણી કરાવી છે. ટી.ડી.ઓ.દ્વારા તલાટીને નોટિસ આપીને રેકર્ડની માંગણી કરતા 70 ટકા રેકર્ડ જમા કરાવ્યુ છે. બાકીના 30 ટકા રેકર્ડ આપ્યા નથી. પુરાવા દેખતા લગ્ન કર્યા હોવાનુ બતાવ્યુ છે. જયારે સ્થાનિક ગ્રામજનોએ જણાવ્યુ કે, અમે અમારા ગામના ખોડિયાર મંદિરમાં આજદિન સુધી લગ્ન જોયા નથી કે થયા નથી. સાથે ગામમાં કોઈ ગોર મહારાજ રહેતા નથી. તો તલાટી દ્વારા લગ્ન નોંધણી વખતે ગામના મંદિરના લગ્ન વખતના ફોટા પણ બોગસ પુરવાર થાય છે. શહેરા ટી.ડી.ઓ.દ્વારા ગ્રામ પંચાયત ખાતેના લગ્ન નોંધણીના દફતરની તપાસ કરતા 571 ભદ્રાલા ગ્રામ પંચાયતમાં થઈ હતી. જેમાં 465 લગ્ન નોંધણીના દસ્તાવેજો મળી આવ્યા છે. જયારે બાકીના 106 લગ્ન નોંધણીના દસ્તાવેજો મળી આવ્યા નથી.