વિરપુરના ધાટડા ગામે પતિની હત્યા કરનાર મહિલા આરોપી પેરોલ જમ્પ કરી ફરાર

વિરપુર,વિરપુર તાલુકાના ધાટડા ગામે વર્ષ પહેલા પરિણીતાએ તેના પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી તેની લાશને કુવામાં ફેંકી દીધી હતી. આ હત્યામાં પરિણીતાને આજીવન કેદાની સજા ફટકારવામાં આવી હતી.

હાલમાં તેને પેરોલ પર છોડવામાં આવી હતી. પરંતુ તે કયાંક ભાગી ગઈ હતી. ધાટડા ગામમાં 16મી જાન્યુઆરી 2020ના રોજ કાંતિભાઈ તલારનો મૃતદેહ કુવામાં મળ્યો હતો. આ અંગે વિરપુર પોલીસે ગુનો નોંધી તપાસ કરતા કાંતિભાઈની પત્નિ કમળાબેન કાંતિભાઈ તલાર તથા તેનો પ્રેમી વિજય જેસીંગ તલારે તેની હત્યા કરી લાશ કુવામાં નાંખી હોવાનુ ખુલ્યુ હતુ. આ અંગે પોલીસે કમળાબેનની ધરપકડ કરી કોર્ટમાં રજુ કરી હતી. જયાં કોર્ટે આજીવન કેદની સજા ફટકારાતા તેને વડોદરા મઘ્યસ્થ જેલમાં ખસેડવામાં આવ્યા હતા. આ દરમિયાનમાં કમળાબેન તલાર(રહે.પાદેડી, તા.ખાનપુર)ને કોર્ટના હુકમના આધારે 60 દિવસની પેરોલ રજા મંજુર કરવામાં આવી હતી. જે મુજબ તા.4 એપ્રિલ 2024ના રોજ તેને પેરોલ રજા પરથી હાજર થવાનુ હતુ પરંતુ કમળાબેન હાજર થઈ ન હતી. આ અંગે તપાસ કરતા તે મળી આવી ન હતી. આખરે આ અંગે બાકોર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.