- ફતેપુરા તાલુકામાં 14 માં તથા 15 માં નાણા પંચની ગ્રાન્ટ દ્વારા ગ્રામ પંચાયતો દ્વારા બનાવવામાં આવેલ હવાડા તથા પાણી પુરવઠા દ્વારા બનાવવામાં આવેલ ભૂગર્ભ ટાંકા ઓની તપાસ કરવા માંગ.
- જલાઈ ગામે હવાડામાં પાણી ભરેલું હોત તો બે માસુમ બાળકોના મોત નિપજ્યા્ ન હોત : ગ્રામજનોમાં ચર્ચાતો પ્રશ્નો.
ફતેપુરા, ફતેપુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયતો દ્વારા 15 માં નાણાપંચની ગ્રાન્ટના નાણા દ્વારા પાણીના સંગ્રહ માટે અનેક ગ્રામ પંચાયતો દ્વારા ગામડાઓમાં લાખો રૂપિયાના ખર્ચે હવાડાઓ બનાવવામાં આવેલ છે. એવી જ રીતે પાણી પુરવઠા યોજના દ્વારા પણ તાલુકાના અનેક ગામડાઓમાં કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ટાંકાઓ પણ બની ચૂક્યા છે. પરંતુ કેટલાક હવાડાઓ તથા ભૂગર્ભ ટાંકા ઓમાં આજ દિન સુધી પાણી ભરવામાં આવ્યું નથી.તેમ જ કેટલાક ગામડાઓમાં આ ભૂગર્ભ ટાંકા તથા હવાડા ઓમાં પાણી પહોંચાડવા માટે આગોતરું આયોજન કરી કોઈ સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવેલ નથી. છતાં પણ હવાડા અને ભૂગર્ભ ટાંકા પાછળ કરોડો રૂપિયા ખર્ચ થઈ ચૂક્યો છે.ત્યારે આવા ભૂગર્ભ ટાંકા તથા હવાડાઓ બનાવવા પાછળનો સરકારનો કે સ્થાનિક અધિકારીઓ અને સ્થાનિક લેવલના જવાબદારોનો મકસદ શું છે?તે એક વિચાર માંગતો અને સળગતો સવાલ છે.
ફતેપુરા તાલુકાના અનેક ગામડાઓમાં 15 માં નાણા પંચ તથા અન્ય યોજનાઓ દ્વારા પાણીના સંગ્રહ માટે લાખો રૂપિયાના ખર્ચે હવાડાઓ બાંધવામાં આવેલ છે.અને તેના બાંધકામ બાદ મહિનાઓ કે વર્ષો વીત્યા બાદ પણ આ હવાડા ઓમાં આજ દિન સુધી પાણીનું ટીપું પણ પહોંચ્યું નથી.જ્યારે આ હવાડાઓ હાલ ખાલી જોવા મળે છે અને આ હવાડાઓ પાછળ કરવામાં આવેલ ખર્ચ માત્ર સરકારી ચોપડા ઉપર વિકાસ બતાવવા માટે જ થયો હોય તેવી પ્રતીતિ થાય છે અને તેવી જ રીતે તાલુકામાં પાણી પુરવઠા યોજના દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે ભૂગર્ભ ટાંકાઓ પણ બનાવવામાં આવ્યા છે. જોકે, આ ટાંકાઓ બનાવતા પહેલા સ્થાનિક કક્ષાના કહેવાતા આગેવાનો તથા તાલુકા-જિલ્લાના સરકારી ખાતાના જવાબદારો દ્વારા આ ભૂગર્ભ ટાંકાઓમાં પાણીની વ્યવસ્થા ક્યાંથી કરાશે,ક્યાંથી આવશે કે ક્યાંથી લાવવું ? તેનું પણ આયોજન કર્યા વિના ટાંકાઓ બનાવી દેવામાં આવ્યા છે.અને આ ભૂગર્ભ ટાંકાઓ બનાવ્યે પણ મહિનાઓ વિતવા છતાં તેમાં પણ આજદિન સુધી ટીપું પાણી નહીં આવતા આ ભૂગર્ભ ટાંકાઓ પાછળ કરવામાં આવેલ ખર્ચ પણ વ્યર્થ જાય તેવા અણસાર જણાઈ રહ્યા છે.
બીજી બાજુ જોઈએ તો નળ સે જલ યોજના ના પાણીના સંગ્રહ માટે ગામડે-ગામડે, ફળીએ-ફળીએ અને દરેક ઘરે પાઇપ લાઈનો આપવામાં આવેલ છે.પરંતુ જો બનાવવામાં આવેલ આ ભૂગર્ભ ટાંકાઓમાં પાણી નાખવામાં આવે અને આ પાણી ઘરે-ઘરે પહોંચાડવામાં આવેલ પાઇપલાઇન દ્વારા પીવાનું પાણી પૂરું પાડવામાં આવે તો સરકાર એટલે કે પ્રજાના કરોડો રૂપિયાનુ જે આંધણ કરવામાં આવ્યું છે તે સાર્થક થઈ શકશે.જોકે જે ઘર-ઘર નળ આપવામાં આવ્યા છે.તેના પણ મહિનાઓ વિતવા છતાં આજદિન સુધી આ લાઈનમાં પાણી આપવામાં આવ્યું નથી.અને મોટાભાગના નળ તૂટી જવા પામ્યા છે.ત્યારે જે-તે કોન્ટ્રાક્ટરને લોકોના ઘર સુધી પાણી પહોંચ્યા પહેલા બિલના કરોડો રૂપિયા સરકાર દ્વારા કેવી રીતે ચૂકવી દેવામાં આવ્યા?તે પણ એક તપાસનો વિષય છે.
જલાઈ ગામે જો હવાડામાં પાણી હોત તો બે માસુમ બાળકોના મોત નીપજ્યા ન હોત !
બે દિવસ અગાઉ જલાઈ ગામે લાકડાના સરેટા બાંધેલા ઝૂંપડામાં આગ લાગતા બે માસુમ બાળકો આગની લપેટમાં આવતા બળીને ભડથુ થઈ ગયા હતા.જોકે જે જગ્યાએ ઝૂંપડામાં આગ લાગી હતી. તેની નજીકમાં જ વર્ષ 2022-23 માં 15 માં નાણાપંચની ગ્રાન્ટ દ્વારા હવાડો બાંધવામાં આવેલ છે, પરંતુ આ હવાડામાં આજ સુધી પાણી આવેલ નથી.જો આ હવાડામાં પાણી હોત તો મૃતક બે બાળકોની દાદી 300 મીટર દૂર પાણી ભરવા ગયા ન હોત અને નજીકમાં આવેલા હવાડામાં પાણી ભરેલું હોત તો પાણી લેવા પોતાના ઝુપડાથી દૂર જવું પડત નહીં. તેમજ આગ લાગી ત્યારે આ હવાડામાં પાણી ભરેલું હોય તો માસુમ બાળકોની દાદી દોડી આવી બાળકોને બચાવી લેત તેમજ ઝૂંપડાને પાણીનો છંટકાવ કરી તાત્કાલિક આગને કાબુમાં લઈ શકાઇ હોત. પરંતુ સરકાર દ્વારા પ્રજાના નાણાથી વિકાસ થઈ રહ્યો છે,પરંતુ આ વિકાસ નિરર્થક જણાઈ રહ્યો છે એવું નથી જાણતું?