જૂઠ્ઠાણાનો પર્દાફાશ

નાગરિક્તા સંશોધન કાયદાના નિયમોને અધિસૂચિત કરવાના બે મહિનાની અંદર ત્રણસોથી વધુ લોકોને નાગરિક્તા પ્રદાન કરવાના બીજા જ દિવસે વડાપ્રધાન મોદીએ આઝમગઢમાં એક સભાને સંબોધિત કરતાં બિલકુલ સાચું કહ્યું કે આ કાયદાને લઈને જૂઠ્ઠાણાનો પહાડ ઊભો કરવાનું કામ કરવામાં આવ્યું અને રમખાણો પણ કરાવવામાં આવ્યાં. આ જૂઠ્ઠાણું વિપક્ષો દ્વારા ફેલાવવામાં આવ્યું હતું, તેથી તેઓ એ આરોપથી બચી ન શકે કે તેમણે લોકોને ગુમરાહ કરીને સડકો પર રમખાણ મચાવવા ઉશ્કેર્યા. આ જ લોકોએ હિંસા અને ઉપદ્રવનો સહારો લીધો હતો. નાગરિક્તા સંશોધન કાયદા વિરુદ્ઘ જે હિંસક પ્રદર્શન થયાં, તેમાં સરકારી અદ્ઘે બિનસરકારી સંપત્તિને તો નુક્સાન પહોંચાડવામાં આવ્યું જ હતું, તેમાં જાનમાલનું પણ નુક્સાન થયું હતું. આ હિંસક પ્રદર્શનોને કારણે લાખો લોકોએ પરેશાનીનો સામનો કરવો પડ્યો. દુર્ભાગ્યે દિલ્હીના લોકોએ તો ઘણો વધારે, કારણ કે અહીં જ શાહીનબાગ વિસ્તારમાં એક વ્યસ્ત સડકને અવરુદ્ઘ કરીને મહિનાઓ સુધી ટ્રાફિકને રોકવામાં આવ્યો. આ અરાજક ધરણાંને કારણે દિલ્હીએ ભીષણ રમખાણોનો સામનો કરવો પડ્યો, જેમાં ૫૦ થી વધુ લોકો માર્યા ગયા. તેનાથી દેશની બદનામી પણ થઈ, કારણ કે આ રમખાણો સમય તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ ભારતમાં હતા.

નાગરિક્તા સંશોધન કાયદાને લઈને લોકોને કઈ રીતે ભરમાવવામાં આવ્યા, તેનો એક નમૂનો એ છે કે બે મહિના પહેલાં જ્યારે આ કાયદાના નિયમો અધિસૂચિત કરવામાં આવ્યા તો ક્યાંય કોઈ વિરોધ જોવા ન મળ્યો. વિરોધના નામે માત્ર થોડાં નિવેદનો જ આવ્યાં અને તે પણ મુસ્લિમ વોટબેંકની રાજનીતિ કરનારા વિરોધ પક્ષના નેતાઓ દ્વારા. સ્પષ્ટ છે કે લોકો સમજી ગયા છે કે આ કાયદાના વિરોધમાં ખરેખર જૂઠ્ઠાણાનો પહાડ ઊભો કરવામાં આવ્યો હતો અને એ કોરી અફવા હતી કે આ કાયદાથી ભારતના મુસલમાનોની નાગરિક્તા છીનવી લેવામાં આવશે. આ કાયદો તો ત્રણ પડોશી દેશો – અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં સતામણી કરાયેલા ત્યાંના એ અલ્પસંખ્યકો માટે છે, જે કોઈક રીતે પોતાનો જીવ બચાવીને ભારત આવી ગયા. એવા જ કેટલાક લોકોને ગત રોજ ભારતની નાગરિક્તા પ્રદાન કરવામાં આવી. આ દીન-હીન લોકોને નાગરિક્તા આપવાનો વિરોધ કેમ? આખરે આ સતાવાયેલા લોકોને નાગરિક્તા આપવી કઈ રીતે ખોટું છે? આ તો ભારતનું નૈતિક દાયિત્વ છે અને એક રીતે વિભાજનના સમયની ભૂલને સુધારવાની કોશિશ પણ છે. એ શરમજનક છે કે કેટલાક પક્ષો અને વિશેષ રૂપે તૃણમૂલ કોંગ્રેસ અદ્ઘે ડાબેરીઓ હજુ પણ નાગરિક્તા સંશોધન કાયદાનો વિરોધ કરી રહ્યા છે. તેમના દબાણમાં આવીને કોંગ્રેસ પણ એમ કહેવા લાગી છે કે સત્તામાં આવતાં જ તે સૌથી પહેલાં આ કાયદાને ખતમ કરવાનું કામ કરશે. આખરે કોંગ્રેસ કે પછી અન્ય પક્ષો આ અમાનવીય-અનૈતિક કામ કરવાનો વાયદો કઈ રીતે કરી શકે?