સંસદની સ્થાયી કમિટીની મીટિંગ્સમાં હાજર રહેવામાં સાંસદોને રસ નથી

નવીદિલ્હી,

વિવિધ પક્ષોના સાંસદો સંસદની સ્થાયી સમિતિની બેઠકોમાં હાજરીથી દૂર ભાગતા હોય છે. સંસદમાં બિલો દાખલ થાય ત્યારે તેની પર ચર્ચા માટે સપ્ટેમ્બરમાં આ કમિટીની રચના કરાઇ હતી. લોક્સભાની વેબસાઇટ પર આપેલી માહિતીમાંથી જાણવા મળ્યું છે. નીચલા ગૃહમાં ૧૩ જેટલી સ્થાયી સમિતિની ફેરરચના બાદ ઓક્ટોબરથી નવેમ્બર ૨૦૨૨ સુધી ૨૨ મીટિંગ્સ યોજાઇ હતી. જેમાં સરેરાશ માત્ર ૧૬ સભ્યો જ હાજર રહ્યા હતા. મહત્વની ચર્ચાઓમાં સાંસદોની નીરસતા રહી હતી.

આ મીટિંગ્સમાં વર્ષ ૨૦૨૨-૨૩માં ચર્ચામાં લેનાર મુદાઓની વિચારણા પણ થાય છે. સંસદની સ્થાયી સમિતિમાં લોક્સભા અને રાજ્યસભામાંથી ૩૧ સભ્યોની બનેલી હોય છે. જેમાં નીચલા ગૃહમાંથી ૨૧ અને ઉપલા ગૃહમાંથી ૧૦ સભ્યો હોય છે. લોક્સભાની એક ડઝનથી વધુ સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ્સમાં ૪૦ ટકાથી વધુ સભ્યો ગેરહાજર હોય છે.

આ કમિટીઓમાં કૃષિ, અન્ન અને ગ્રાહક બાબતો, વિદેશી બાબતો, કોમર્સ, હાઉસિંગ અને શહેરી બાબતો, સામાજિક ન્યાય અને સહકારિતા જેવા વિભાગોનો સમાવેશ થાય છે. આ કમિટીઓમાં ભાજપના સભ્યોની સંખ્યા સૌથી વધુ છે તો તેમની ગેરહાજરી પણ વધુ છે. જોકે તેમાં ગેરહાજર રહેનારામાં મનમોહન સિંઘ અને રાહુલ ગાંધીનો પણ સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે ભાજપ સાંસદો સંસદીય કમિટીની બેઠકમાં હાજર રહે તેની ખાતરી માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સતત આ મામલે કહેતા હોય છે.