હરિયાણામાં ધાર્મિક સ્થળોના દર્શન કરીને પરત ફરી રહેલા શ્રદ્ધાળુઓની બસમાં આગ : ૮ના મોત,૨૪ લોકો ઘાયલ.

હરિયાણાના નુહમાં ટૂરિસ્ટ બસમાં આગ લાગવાને કારણે મોટી દુર્ઘટના ઘટી છે. આ દુર્ઘટના નૂહ જિલ્લાના તાવડુ સબડિવિઝનની સીમાથી પસાર થતા કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર બની છે. આ દરમિયાન, બસમાં લગભગ ૬૦ લોકો મુસાફરી કરી રહ્યા હતા, જેમાંથી ૮ લોકોના મોત થઈ ચુક્યા છે અને ૨૪ લોકો ઘાયલ હોવાનું કહેવાઈ રહ્યું છે. મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના રાત્રે લગભગ ૧.૩૦ વાગે બની હતી. જણાવી દઈએ કે બસમાં મુસાફરી કરી રહેલા મોટાભાગના લોકો ધામક સ્થળોનાં દર્શન કરવા નીકળ્યા હતા, જે બનારસ અને વૃંદાવનથી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા.

આગની માહિતી મળતાં જ ફાયર બ્રિગેડ આગ ઓલવવા માટે ઘટનાસ્થળે પહોંચી પરંતુ તે પહેલા જ સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા હતા. ગ્રામજનો અને ફાયર બ્રિગેડના કર્મચારીઓએ ભારે જહેમતથી આગને કાબુમાં લીધી હતી. દુર્ઘટનાનો ભોગ બનેલા લોકો પંજાબ અને ચંદીગઢના રહેવાસી હોવાનું જણાવાઈ રહ્યું છે, જેઓ મથુરા અને વૃંદાવનનાં દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. જાણકારી મળ્યા બાદ પોલીસ કાર્યવાહીમાં લાગી ગઈ છે.

બસમાં મુસાફરી કરી રહેલા પીડિતે જણાવ્યું કે તેઓ ગયા શુક્રવારે એક ટુરિસ્ટ બસ ભાડે કરીને બનારસ અને મથુરા-વૃંદાવન દર્શન કરવા નીકળ્યા હતા. બસમાં મહિલાઓ અને બાળકો સહિત ૬૦ લોકો સવાર હતા. તે બધા નજીકના સગા હતા, જે પંજાબના લુધિયાણા, હોશિયારપુર અને ચંદીગઢના રહેવાસી હતા. શુક્રવાર-શનિવારની રાતે તેઓ દર્શન કરીને પરત ફરી રહ્યા હતા. મોડી રાત્રે દોઢ વાગ્યાની આસપાસ બસમાં આગની જ્વાળાઓ જોવા મળી હતી. તેમણે જણાવ્યું કે તે આગળની સીટ પર બેઠા હતા. કોઈક રીતે સ્થાનિક લોકોની મદદથી તેમને બહાર કાઢી લેવામાં આવ્યા.મદદ માટે ઘટનાસ્થળ પર પહોંચેલા ગ્રામવાસીઓએ જણાવ્યું કે રાત્રે લગભગ ૧:૩૦ વાગ્યે તેઓએ એક ચાલતી બસમાં આગની જ્વાળાઓ જોઈ. તેમણે બૂમો પાડીને ડ્રાઈવરને બસ રોકવા કહ્યું, પરંતુ બસ ઉભી ન રહી. ત્યારપછી એક યુવકે મોટરસાઈકલ લઈને બસનો પીછો કર્યો અને ડ્રાઈવરને આગ અંગે જાણ કરી. આ પછી બસ ઉભી રહી પરંતુ ત્યાં સુધીમાં બસમાં લાગેલી આગ ખૂબ જ વિકરાળ બની ગઈ હતી. ગ્રામજનોએ પોતાના સ્તર પર આગ ઓલવવા તમામ પ્રયાસો કર્યા. સાથે જ પોલીસને જાણ પણ કરી.

ઘટનાસ્થળે પહોંચેલા ગ્રામજનોના જણાવ્યા અનુસાર પોલીસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ ઘણી મોડી પહોંચી હતી. ત્યાં સુધીમાં બસમાં સવાર લોકો ખરાબ રીતે દાઝી ગયા હતા, જેમાંથી આઠના મોત થઈ ગયા. આ પછી તાવડુ સદર પોલીસે એમ્બ્યુલન્સ બોલાવી અને ઘાયલોને હોસ્પિટલ મોકલ્યા. દુર્ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અધિક્ષક, તાવડુના એસડીએમ, તાવડુ સદર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ અને ડીએસપી ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. દરમિયાન રોડ પર લાંબી લાઈન લાગવાને કારણે જામ લાગી ગયો હતો અને પોલીસે ઘણા પ્રયાસો બાદ પરિસ્થિતિને કાબૂમાં લીધી.