વડોદરા, મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા લગાવવામાં આવી રહેલા સ્માર્ટ મીટર સામે વડોદરામાં વિરોધની આગ વધારેને વધારે ભડકી રહી છે. ચોંકાવનારી વાત એ છે કે, ભારતમાં અન્ય સ્થળોએ પણ સ્માર્ટ મીટરો લગાવવા સામે લોકોએ વિરોધ કર્યો હતો, પણ મધ્ય ગુજરાત વીજ કંપનીના સત્તાધીશોએ આ વિરોધને ધ્યાનમાં લીધા વગર અને લોકોને વિશ્વાસમાં લીધા વગર જ પાયલોટ પ્રોજેક્ટ શરુ કરી દીધો હતો. તેના કારણે હવે વડોદરાના લોકો પણ સ્માર્ટ વીજ મીટરનો વિરોધ કરી રહ્યા છે.
મળતી વિગતો પ્રમાણે, ૨૦૨૩માં જમ્મુ અને કાશ્મીરમાં સ્માર્ટ મીટર લગાવવાનુ શરુ કરાયુ ત્યારે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. જમ્મુ અને શ્રીનગરમાં લોકોએ સ્માર્ટ વીજ મીટરમાં બિલ વધારે આવતુ હોવાનો આક્ષેપ કર્યો હતો. કેટલાય દિવસો સુધી આ વિરોધ ચાલ્યો હતો. જમ્મુમાં તો ખુદ ભાજપના નેતાઓ પણ સ્માર્ટ મીટરના વિરોધમાં ઉતર્યા હતા એ પછી પણ મીટરો લગાવવાનુ ચાલુ રખાયુ છે. ઓગસ્ટ મહિનામાં આસામના કાચાર જિલ્લામાં થયો હતો અને લોકોએ સ્માર્ટ મીટર લગાવવાની યોજનાનો વિરોધ કર્યો હતો.
તામિલનાડુમાં ડિસેમ્બર-૨૦૨૩માં સીપીઆઈ(એમ) દ્વારા સ્માર્ટ મીટરો લગાવવાના નામે વીજ ક્ષેત્રનુ ખાનગીકરણ કરવામાં આવી રહ્યું હોવાના આક્ષેપ સાથે સ્માર્ટ ઈલેક્ટ્રિસિટી મીટરોની સામે અભિયાન ચલાવવામાં આવ્યુ હતું. હવે વડોદરાના લોકો પણ સ્માર્ટ મીટરોના વિરોધમાં જોડાયા છે. ગુજરાતમાં બીજા કોઈ શહેરમાં ના થયો હોય તે હદે વડોદરાના લોકો સ્માર્ટ મીટરોનો વિરોધ કરી રહ્યા છે. મધ્ય ગુજરાત વીજ કંપનીએ લોકોના માથે સ્માર્ટ મીટરો ઠોકી બેસાડવાની કરેલી હરક્તથી હવે ભાજપ સરકારને જવાબ આપવાનો ભારે પડે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે. સ્માર્ટ મીટર સામે લોકોના પ્રચંડ વિરોધ બાદ રાજ્ય સરકાર ધ્રૂજી ગઈ છે અને બીજા શહેરોમાં પણ પડઘા પડે તેવી સંભાવના જણાઈ રહી છે.
વડોદરામાં સ્માર્ટ વીજ મીટર સામે થઈ રહેલા વિરોધમાં હવે વિરોધ પક્ષો પણ જોડાઈ ગયા છે. રાષ્ટ્રીય સ્તરે બનાવાયેલા ઈન્ડિયા ગઠબંધનમાં સામેલ કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને શિવસેનાના સ્થાનિક નેતાઓ, કાર્યકરોએ રેસકોર્સ સર્કલથી કલેકટર કચેરી સુધી એક રેલી કાઢી હતી અને કલેકટરને આવેદનપત્ર આપ્યુ હતું.
નેતાઓએ કહ્યું હતું કે, ’વીજ કંપનીને પાયલોટ પ્રોજેકટ માટે ગરીબ અને મધ્યમવર્ગના જ લોકો દેખાયા છે. લોકોને જાગૃત કરવાની જગ્યાએ સીધા જ પોલીસને લઈ જઈને મીટરો નાંખવાનું શરુ કરી દીધુ હતું. લોકોને દંડ થશે તેવો ડર બતાવ્યો હતો. વીજ કંપનીને સરકાર તાત્કાલિક મીટરો લગાવવાનુ બંધ કરીને પ્રજાની ઉઘાડી લૂંટ થતી અટકાવવા માટે આદેશ આપે.’ કલેકટર સમક્ષ આગેવાનોએ રજૂઆત કરી હતી કે, પંદર વર્ષ ચાલે તેવા વીજ મીટરો અચાનક જ બદલવાની શું જરુર પડી ગઈ તે સમજ નથી પડી રહી. સ્માર્ટ મીટરના કારણે લોકોના બિલમાં તોતિંગ વધારો થઈ ગયો છે. ૨૦૦૦ રુપિયાનું રિચાર્જ પણ પાંચ દસ દિવસમાં પૂરુ થઈ જવાની ફરિયાદ લોકો કરી રહ્યા છે. એવુ લાગે છે કે, એક દિવસ આ સરકાર શ્વાસ લેવા પર પણ ટેક્સ નાંખશે. જો સ્માર્ટ મીટર લગાવવાનુ બંધ નહીં કરવામાં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું.