હિન્દુ નેતાઓની હત્યાના કાવતરામાં મૌલવીની ધરપકડ બાદ મોટો ખુલાસો

સુરત, હિન્દુ નેતાઓની હત્યાના કાવતરામાં મૌલવીની ધરપકડ બાદ અન્ય આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી છે. જેમાં અનેક તથ્યો સામે આવ્યા છે. સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે આ અંગે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. જેમાં તેમણે તપાસ દરમિયાનની મોટી વાતો કરી હતી. મૌલવી પાસેથી બે અલગ-અલગ જન્મના પ્રમાણપત્ર મળ્યા છે. તો બીજી તરફ મૌલાના સુલેહ પાસે બે ઇલેક્શન કાર્ડ મળી આવ્યા છે.

સુરત પોલીસ કમિશ્ર્નર અનુપમસિંઘ ગેહલોતે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે, આ કેસમાં અત્યાર સુધીમાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. નેપાળ બોર્ડર નજીક આવેલ બિહારના મુઝફરપુરથી ધરપકડ કરાયેલા શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી મોહમ્મદ શાબિર અલગ-અલગ આઇડી પરથી ધમકી આપવાનું કામ કરતો હતો. બીજી તરફ શહેનાઝ પાકિસ્તાની છે અને તેનો એક હેન્ડલર પણ છે. તેણે ૧૭ જેટલા વર્ચ્યુલ નંબરનો ઉપયોગ ધમકીઓ આપવા માટે કર્યો છે. જ્યારે ૪૨ ઇ-મેઈલ આઇ.ડી. પરથી શહેનાઝે હિન્દુવાદી નેતાઓને ધમકીઓ આપી છે. આરોપીઓની પૂછપરછમાં આરોપી શહેનાઝ ઉર્ફે મોહમ્મદ અલી પાસે બે દેશની નાગરિક્તા હોવાની માહિતી સામે આવી છે. સાથે-સાથે શહેનાઝ પાકિસ્તાની ડોગરના સંપર્કમાં હતો. સુરત પોલીસે મહારાષ્ટ્રના નાંદેડ ખાતેથી શકિલ શેખની ધરપકડ કરી હતી. આ શકીલ ઉર્ફે રઝાએ પોતાનો મોબાઈલ તોડી નાખ્યો હતો. જેના સ્પેરપાર્ટસ કબ્જે કરવામાં આવ્યા છે. પાકિસ્તાનના ડોગરે આરોપી શકિલને વર્ચ્યુઅલ નંબર એક્ટિવ કરી આપ્યો હતો. આ આરોપીઓ દ્વારા સુરેશ રાજપૂત, ઉપદેશ રાણા, નિશાંત શર્મા સહિતના હિન્દુ નેતાઓને ગ્રૂપ કોલ દ્વારા હત્યાની ધમકીઓ આપવામાં આવી હતી.

પોલીસનું વધુમાં કહેવું છે ઉત્તર પ્રદેશ અને પંજાબ પોલીસનો અમે સંપર્ક કરી રહ્યા છે. સાથે જ ઝડપાયેલા આરોપીઓના બેંક એકાઉન્ટની પણ તપાસ કરવામાં આવી રહી છે. પૈસા ટ્રાન્સફર કરવા આરોપીઓ હવાલાનો ઉપયોગ કરતા હતા. શહેનાઝ પાસેથી ભારત અને નેપાળની નાગરિક્તા મળી આવી છે,જેને વેરીફાઈ કરવામાં આવી રહી છે.