પશ્ચિમબંગાળ, મેદિનીપુર સીબીઆઈએ આજે બંગાળમાં ટીએમસીના બે નેતાઓના ઠેકાણાઓમાં દરોડા પાડયા હતા. આ દરોડા ૨૦૨૧માં ચુંટણી બાદ થયેલી હિંસાના મામલે પાડવામાં આવ્યા હતા. આ દરોડા પુર્વી મેદનીપુર જિલ્લાના કાઠી વિસ્તારમાં પાડવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ૨૦૨૧માં ચૂંટણી બાદની હિંસામાં ભાજપના એક કાર્યર્ક્તાનું મોત થયું હતું. આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ સીબીઆઈ ઓફિસરોની એક ટીમે કાઠી બ્લોક નં.૩માં ટીએમસી નેતા દેવવ્રત પાંડાના ઘેર અને બીજા બ્લોકમાં ટીએમસી નેતા નંદદુલાલ મૈતીના ઘેર દરોડા પાડયા હતા.
સીબીઆઈએ જણાવ્યું હતું કે, સમન્સ મોકલવા છતાં આરોપીઓ હાજર થતા નહોતા એટલે દરોડા પાડવામાં આવ્યા. આરોપીઓની પુછપરછ કરવામાં આવશે. સીબીઆઈએ જણાવ્યું હતું કે ૨૦૨૧માં પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ બંગાળમાં હિંસાની ઘટના બની હતી. જેમાં ટીએમસી કાર્યકરોએ ઠેક ઠેકાણે ભાજપના કાર્યર્ક્તાઓને નિશાન બનાવ્યા હતા. હિંસાના કારણે ભાજપ કાર્યર્ક્તાઓએ પોતાના ઘર પણ છોડવા પડયા હતા અને મામલો કલક્તા હાઈકોર્ટ પહોંચ્યો હતો.