અમદાવાદ, અમદાવાદના રિયલ એસ્ટેટ માર્કેટમાં ધમધોકાર કામ થઈ રહ્યું છે અને મકાનોની ડિમાન્ડ તથા ભાવમાં પણ વધારો થયો છે. વર્ષ ૨૦૨૪ના પ્રથમ ક્વાર્ટરમાં અમદાવાદમાં મકાનોના ભાવ ગયા વર્ષની તુલનામાં ૧૩ ટકા વધ્યા છે તેવું ક્રેડાઈના એક રિપોર્ટમાં જણાવાયું છે.
અમદાવાદમાં રેસિડેન્શિયલ પ્રોપર્ટીનો ભાવ પ્રથમ ક્વાર્ટરમાં વધીને ૭૧૭૬ રૂપિયા પ્રતિ સ્કવેર ફૂટ સુધી પહોંચ્યો હતો.
૨૦૧૯થી અત્યાર સુધીનો ડેટા જોવામાં આવે તો અમદાવાદમાં હાઉસિંગ પ્રોપર્ટીના ભાવમાં ૩૪ ટકાનો વધારો થયો છે. પરંતુ દેશના સૌથી મોટા ૮ પ્રોપર્ટી માર્કેટને જોવામાં આવે તો અમદાવાદ ઘણું સસ્તું છે અને બીજા શહેરોમાં મકાનના ભાવ અત્યંત વધારે છે. મકાનના ભાવમાં ટકાવારીમાં વધારો જોવામાં આવે તો ટોચના ૮ શહેરોમાં અમદાવાદ ચોથા ક્રમ પર છે. બેંગલુરુ સૌથી આગળ છે જ્યાં સરેરાશ ભાવ ૧૯ ટકા વધીને ૧૦,૩૭૭ પ્રતિ ચોરસ ફૂટ થયો છે જ્યારે દિલ્હી એનસીઆરમાં ભાવ ૧૬ ટકા વયો છે અને ૯૭૫૭ પ્રતિ ચોરસ ફૂટ પર પહોંચ્યો છે.
એક્સપર્ટનું કહેવું છે કે, છેલ્લા એક દાયકામાં અમદાવાદ એજ્યુકેશન અને રોજગારીની હબ તરીકે ઉભરી આવ્યું છે જેથી રિયલ એસ્ટેટની ડિમાન્ડ વધી છે. અમદાવાદમાં હવે ઓલિમ્પિક્સ ગેમ્સ યોજાય તે માટે પ્રયાસ ચાલુ છે જેથી તે મુજબ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવામાં આવશે. આ ઉપરાંત આખા દેશમાંથી લોકો અમદાવાદ અને ગિફ્ટ સિટીમાં મકાનો ખરીદી રહ્યા છે. હાઈસિંગ પ્રાઈસ ટ્રેકર રિપોર્ટ પ્રમાણે રેસિડેન્શિયલ પ્રોપર્ટીની વધતી ડિમાન્ડના કારણે અમદાવાદમાં ભાવમાં ૧૩ ટકા વધારો થયો છે. આગામી સમયમાં અમદાવાદ મેટ્રોનો ફેઝ ૨ શરૂ થશે તેથી ગાંધીનગર આસપાસ રેસિડેન્શિયલ એક્ટિવિટી વધવાની છે. સિટી સેન્ટ્રલ વેસ્ટમાં ભાવ એક વર્ષમાં ૨૬ ટકા વધ્યો છે અને ઈસ્ટર્ન માઈક્રોમાર્કેટમાં ભાવમાં ૧૨ ટકાનો વધારો થયો છે.
આ ઉપરાંત અમદાવાદમાં વેચાયા વગરના મકાનોની ઈન્વેન્ટરીમાં ૮ ટકાનો ઘટાડો થયો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, વર્ષ ૨૦૨૪ના પ્રથમ ક્વાર્ટરના ડેટા પ્રમાણે વેચાયા વગરના મકાનોમાંથી મોટા ભાગના એફોર્ડેબલ અને મિડ સેગમેન્ટમાં આવે છે. ક્રેડાઈ, અમદાવાદના પ્રેસિડન્ટ ધ્રુવ પટેલે કહ્યું કે, અમદાવાદમાં સતત ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું ડેવલપમેન્ટ ચાલુ છે અને તેના કારણે લોકોના જીવનધોરણમાં સુધારો થયો છે. અમદાવાદ અત્યારે રાજ્યમાં સૌથી વધુ રોજગારી પેદા કરતા હબ તરીકે ઉભરી આવ્યું છે.
આખા રાજ્યમાંથી લોકો કામધંધા માટે અમદાવાદ આવી રહ્યા છે. આ ઉપરાંત ગિફ્ટ સિટીના ડેવલપમેન્ટ અને ઓલિમ્પિક્સની શક્યતાના કારણે પણ લોકો અમદાવાદમાં પ્રોપર્ટી ખરીદી રહ્યા છે. ટોચના ૮ પ્રોપર્ટી માર્કેટ સાથે તુલના કરવામાં આવે તો અમદાવાદ હજુ પણ ઘણું સસ્તું છે.