હવે ’૪૦૦ પાર’ની વાત કેમ નથી કરતા : પ્રિયંકા ગાંધીનો કટાક્ષ

રાયબરેલી, લોક્સભા ચૂંટણી-૨૦૨૪ના ચાર તબક્કા સંપન્ન થઈ ગયા છે. હવે ત્રણ તબકકાની ચૂંટણી બાકી છે આ દરમિયાન ભાજપના પ્રચાર અભિયાનનો મોરચો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભાળ્યો છે. વડાપ્રધાન મોદીના દરેક નિવેદનનો જવાબ કોંગ્રેસ મહામંત્રી પ્રિયંકા ગાંધી આપી રહ્યા છે.

’ભાજપના ૪૦૦ પાર’ના દાવા પર કટાક્ષ કરીને સત્તાધારી પાર્ટી ભાજપ પર નિશાન તાકીને પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, ’હવે ભાજપવાળા ૪૦૦ પારનો દાવો કેમ કરતા નથી, કારણ કે તેમને હવે ૨૦૦ સીટ આવવી પણ મુશ્કેલ લાગવા માંડી છે.’

કોંગ્રેસ મહામંત્રીએ કહ્યું કે, ’’એ કહેતા હતા ’૪૦૦ પાર’, હવે કેમ કહેતા નથી? શું થયું? ચૂંટણીને ચાર ચરણો થઈ ગયા છે અને હવે ’૪૦૦ પાર’ ખતમ થઈ ગયું છે? એ હવે કેમ ’૪૦૦ પાર’નો દાવો કરતા નથી’’

આ દરમિયાન પ્રિયંકા ગાંધીએ બેરોજગારી, મોંઘવારી જેવા મુદ્દાઓને ઉઠાવીને કહ્યું કે, ’વડાપ્રધાન અને ભાજપે આ મુદ્દાઓની વાત કરવી જોઈએ.’ વધુમાં પ્રિયંકા ગાંધીએ ઉમેર્યું કે, રાહુલ, મેં અને તમામે કહ્યુ છે કે જો એવી પરિસ્થિતિ સર્જાશે તો ઈન્ડિયા ગઠબંધન વડાપ્રધાન પદના ચહેરાનો નિર્ણય કરશે. અમે આરંભથી કહી રહ્યા છીએ કે જનતા આ ચૂંટણી લડશે. જનતાના મુદ્દાઓમાં મોંઘવારી, બેરોજગારી છે. ઉપરાંત ખેતી આધારીત મુદ્દાઓ, મજૂરોના મુદ્દાઓ, મયમ વર્ગના મુદ્દાઓ છે, આ તમામ મુદ્દાઓની વડાપ્રધાને અને ભાજપના અન્ય નેતાઓએ વાત કરવી જોઈએ.