દિલ્હીના મુખ્યમંત્રીના ખાનગી સચિવને રાષ્ટ્રીય મહિલા આયોગની નોટિસ

રાષ્ટ્રીય મહિલા આયોગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પૂર્વ અંગત સચિવ બિભવ કુમારને શુક્રવારે તેની સામે હાજર થવા જણાવ્યું છે. વાસ્તવમાં બિભવ કુમાર પર આમ આદમી પાર્ટી સાંસદ સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તનનો આરોપ છે.

બિભવ કુમારને શુક્રવારે એટલે કે ૧૭ મેના રોજ સવારે ૧૧ વાગ્યે રાષ્ટ્રીય મહિલા આયોગ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. મહિલા આયોગે માલીવાલની મીડિયા પોસ્ટ પર સ્વત: સંજ્ઞાન લીધું હતું જેમાં તેણે દાવો કર્યો હતો કે બિભવે મુખ્યમંત્રીના નિવાસસ્થાને તેની સાથે ગેરવર્તણૂક કરી હતી. મહિલા આયોગે આ આરોપો પર નોટિસ જારી કરી હતી.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળવા આવેલા દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ સ્વાતિ માલીવાલે પીસીઆર કોલ પર સીએમ આવાસની અંદર થયેલી ગેરવર્તણૂક વિશે માહિતી આપી હતી. કોલમાં સ્વાતિએ મુખ્યમંત્રીના ખાનગી સચિવ પર ગેરવર્તનનો આરોપ લગાવ્યો હતો. આ પછી તે સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશન પહોંચી અને પોલીસ અધિકારીઓને ઘટના વિશે મૌખિક માહિતી આપી. જો કે, તેણી લેખિત ફરિયાદ પછી આપીશ તેમ કહીને પોલીસ સ્ટેશનેથી પરત ફરી હતી.બીજી તરફ, રાષ્ટ્રીય મહિલા આયોગે પોલીસને નોટિસ જારી કરી છે અને ત્રણ દિવસમાં એક્શન ટેકન રિપોર્ટ માંગ્યો છે. જો કે આ મામલે આપ દ્વારા કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી.

ઉત્તર જિલ્લા પોલીસના ડેપ્યુટી કમિશનર મનોજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે સોમવારે સવારે ૯.૩૪ વાગ્યે સીએમ આવાસ પરથી પીસીઆર કોલ આવ્યો હતો. મહિલા ફોન કરનારે મુખ્યમંત્રી આવાસ પર તેની સાથે દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો હતો. બાદમાં સ્વાતિ માલીવાલ સિવિલ લાઈન્સ પોલીસ સ્ટેશન પહોંચી અને ઘટનાની જાણકારી આપી. જોકે, તેમણે લેખિત ફરિયાદ કરી ન હતી. ડેપ્યુટી કમિશનરે કહ્યું કે હાલમાં સ્વાતિ માલીવાલની લેખિત ફરિયાદની રાહ જોવાઈ રહી છે. ત્યાર બાદ તથ્યોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.