કોલકતા, પશ્ચિમ બંગાળના રાણાઘાટ જિલ્લામાંથી એક રૂંવાડા ઊભા કરી દેનારી ખબર સામે આવી, અહીં એક જીમની અંદર જે બન્યું તેણે બધાને ચોંકાવી દીધા. ટ્રેનર ઇદરીસ જમાલે જીમની અંદર એક મહિલાને હેરાન કરી હતી અને તેના પર દબાણ કરવાનો પ્રયાસ કર્યો. જ્યારે મહિલાએ પોતાને બચાવવાનો પ્રયાસ કર્યો તો તેને માર મારવામાં આવ્યો.
મહિલા કોઈક રીતે પોતાની જાતને બચાવીને ભાગવામાં સફળ રહી. આરોપીની આ કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. રાણાઘાટ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે. ટ્રેનરને મહિલા પર શારીરિક હુમલો કરતા સ્પષ્ટ જોઈ શકાય છે.
વીડિયોમાં જોવા મળે છે કે એક મહિલા જીમમાં ક્સરત કરી રહી છે અને ટ્રેનર અચાનક તેના પર હુમલો કરે છે. ઘટના બાદ રાણાઘાટ જિલ્લા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી ઈદરીશની ધરપકડ કરી અને ખાતરી આપી કે પીડિતા સુરક્ષિત છે. રાણાઘાટ જિલ્લા પોલીસે ટ્વિટર પર લખ્યું, ’આ વીડિયોમાં ગુનેગારની ઓળખ થઈ ગઈ છે અને રાણાઘાટ જિલ્લા પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી છે.
તેની સામે કેસ નોંધવામાં આવ્યો છે. પીડિત મહિલાનો પણ સંપર્ક કરવામાં આવ્યો હતો અને હાલમાં તે સુરક્ષિત છે. આરોપીની ધરપકડ બાદ પીડિતાએ પોસ્ટ રીટ્વીટ કરી લખ્યુ- આરોપીની ધરપકડ થઇ ગઇ છે, તે બધાનો આભાર જેમણે આ વીડિયો શેર કર્યો અને આ સંભવ બનાવ્યુ.