- અમે એક એવી સરકાર બનાવીશું જે એ નક્કી કરશે કે બંગાળમાં આપણી માતાઓ અને બહેનોને ક્યારેય કોઈ સમસ્યા ન થાય.
કોલકતા, લોક્સભા ચૂંટણી જેમ-જેમ આગળ વધી રહી છે, તેટલી જ રોચક રાજકીય ઘટના જોવા મળી રહી છે. તાજેતરમાં રસપ્રદ ઘટના બંગાળથી સામે આવી છે. ઈન્ડિયા ગઠબંધન હેઠળ કોંગ્રેસની સાથે બેઠક વહેંચણી પર અસહમતિ વ્યક્ત કરનારા બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનું વલણ નરમ પડવા લાગ્યુ છે. બેનર્જીએ આજે કહ્યું કે જો સામાન્ય ચૂંટણી બાદ વિપક્ષી દળોનું ઈન્ડિયા ગઠબંધન સત્તામાં આવે છે તો તેઓ તેને ’બાહરી સમર્થન’ આપશે.
તેમણે કહ્યું, ’અમે ઈન્ડિયા ગઠબંધનને નેતૃત્વ આપીશું અને બહારથી દરેક બાજુથી તેમની મદદ કરીશું. અમે એક એવી સરકાર બનાવીશું જે એ નક્કી કરશે કે બંગાળમાં આપણી માતાઓ અને બહેનોને ક્યારેય કોઈ સમસ્યા ન થાય અને એ નક્કી કરવામાં આવે કે ૧૦૦ દિવસની નોકરી યોજનામાં ભાગ લેનારને કોઈ પણ પ્રકારનો અવરોધનો સામનો કરવો પડે નહીં’ તેમણે ઈન્ડિયા બ્લોકને સ્પષ્ટ રીતે પરિભાષિત કરતા કહ્યું કે તેમાં સીપીએમ કે બંગાળ કોંગ્રેસ સામેલ નથી, જેનું નેતૃત્વ તેમના કટ્ટર પ્રતિદ્વંદી અને વરિષ્ઠ કોંગ્રેસ નેતા અધીર ચૌધરી કરી રહ્યાં છે.
વર્તમાન લોક્સભા ચૂંટણી ૨૦૨૪ હવે પાંચમા તબક્કા તરફ વધી રહી છે. વર્તમાન સંસદીય ચૂંટણીના પાંચમા તબક્કા માટે મતદાન ૨૦ મે એ ૬ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોના ૪૯ લોક્સભા બેઠક પર થશે. આ તબક્કામાં બિહારની ૫ બેઠકો, જમ્મુ-કાશ્મીરની ૧ બેઠક, ઝારખંડની ૩ બેઠકો, લદ્દાખની ૧ બેઠક, મહારાષ્ટ્રની ૧૩ બેઠકો, ઓડિશાની ૫ બેઠકો, ઉત્તર પ્રદેશની ૧૪ બેઠકો અને પશ્ચિમ બંગાળની ૭ બેઠકો પર મતદાન થશે. તેના પહેલા બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ઈન્ડિયા એલાયન્સના સત્તામાં આવવા પર બહારથી સમર્થન આપવાની વાત કહી છે. મમતા બેનર્જીના આ નિવેદનને લઈને રાજકીય ગલિયારોમાં હલચલ ખૂબ વધી ગઈ છે. રાજકીય જાણકારોનું કહેવું છે કે વિપક્ષી દળોનું ગઠબંધન અત્યારથી વિખરાયેલું છે. અમુક વિપક્ષી દળ તો ચૂંટણી પણ અલગ-અલગ લડી રહ્યાં છે. ચૂંટણી બાદ પણ જો સરકાર બનાવવાની તક મળી તો પણ એક સાથે રહેશે નહીં. ઈન્ડિયા ગઠબંધનનું ભવિષ્ય શું હશે? તેને લઈને વિપક્ષી દળોને ચિંતન કરવાની જરૂર છે.
મમતા બેનર્જીએ લોક્સભા ચૂંટણીમાં ૪૦૦ બેઠક મેળવવાના ભાજપના મહત્વાકાંક્ષી લક્ષ્ય પર શંકા વ્યક્ત કરી. તેમણે કહ્યું, ’ભાજપ ૪૦૦ બેઠક જીતવાનો દાવો કરી રહ્યું છે, પરંતુ લોકો કહી રહ્યાં છે કે આ વખતે આવું થશે નહીં. અમે (તૃણમુલ કોંગ્રેસ) કેન્દ્રમાં સરકાર બનાવવા માટે ઈન્ડિયાને બહારથી સમર્થન આપીશું’. બેનર્જીએ બંગાળમાં નાગરિક્તા સંશોધન કાયદો,નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ અને યુનિફોર્મ સિવિલ કોડના અમલ સામે પોતાના પક્ષના અડીખમ સ્ટેન્ડની જાહેરાત કરી.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ બુધવારે ચૂંટણી પંચને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આદેશો હેઠળ કામ કરનારી ’કઠપૂતળી’ ગણાવ્યું. હુગલી જિલ્લાના ચિનસુરાહમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા મમતા બેનર્જીએ બે મહિનાના સમયગાળામાં ચૂંટણી નક્કી કરવા માટે ચૂંટણી પંચની ટીકા કરી અને આરોપ લગાવ્યો કે વધુ ગરમીના કારણે સામાન્ય લોકોને પડનારી તકલીફને અવગણીને ભાજપના પક્ષમાં આ નિર્ણય લીધો. ’ચૂંટણી પંચ એક કઠપૂતળી છે અને મોદીના આદેશો અનુસાર કામ કરે છે. અઢી મહિનાથી મતદાન થઈ રહ્યું છે, શું તમને (ચૂંટણી અધિકારીઓને) ક્યારેય સામાન્ય લોકોની તકલીફનો અહેસાસ થયો છે’.