પંચમહાલ જીલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને જીલ્લા જળ અને સ્વચ્છતા તથા જીલ્લા પાણી સમિતિની બેઠક યોજાઈ

ગોધરા,પંચમહાલ જીલ્લા કલેકટર આશિષ કુમારના અધ્યક્ષસ્થાને ગોધરા કલેકટર કચેરી સભાખંડ ખાતે જીલ્લા જળ અને સ્વચ્છતા તથા જીલ્લા પાણી સમિતિની બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં અધ્યક્ષસ્થાનેથી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારની પીવાના પાણીની હયાત યોજનાઓની,જળાશયોમાં ઉપલબ્ધ પાણીના જથ્થા બાબતની, જીલ્લામાં સ્થિત કુલ હેડ પંપ રીપેરીંગની કામગીરી, પીવાના પાણીની મુશ્કેલી બાબતની આવેલ રજુઆતોની સમીક્ષા કરવામાં આવી હતી.

બેઠકમાં જીલ્લા કલેકટરએ જણાવ્યું હતું કે, ગ્રામ પંચાયતો દ્વારા વિવિધ યોજનાઓનું સુચારૂ સંચાલન અને નિયમીત પાણી પુરવઠો વિતરણ થાય તે માટે લાઈન ડિપાર્ટમેન્ટને સાથે સંકલન કરી પીવાના પાણીની સમસ્યાઓને ત્વરિત નિરાકરણ કરવામાં આવશે.તેમણે જીલ્લામાં કાર્યરત જૂથ પાણી પુરવઠા યોજનાઓ, સ્વતંત્ર યોજનાઓ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા સબંધિત અધિકારીઓને સૂચન કર્યું હતું.

આ બેઠકમાં જીલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીયા સહિત સબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.