નવીદિલ્હી, ગત બુધવાર સાંજથી લઈને ગુરુવારની સવાર સુધી ભારતના વિવિધ રાજ્યોમાંથી ભયાનક માર્ગ અકસ્માતના સમાચારો આવી રહ્યા છે. આ અકસ્માતોમાં ડઝનેક લોકોના મોત થયા છે અને મોટી સંખ્યામાં લોકો ઘાયલ પણ થયા છે. જે રાજ્યોમાં આ ભયાનક માર્ગ અકસ્માતો થયા છે તેમાં મધ્યપ્રદેશ , ઓડિશા અને તમિલનાડુ છે.
મોડી રાત્રે મધ્યપ્રદેશના ધાર જિલ્લામાંથી એક ભયાનક અકસ્માતના સમાચાર આવ્યા છે. ઈન્દોર-અમદાવાદ નેશનલ હાઈવે પર આ ભયાનક માર્ગ અકસ્માતમાં આઠ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે એક વ્યક્તિ ઘાયલ પણ થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માતનું કારણ બોલેરો કારનું ટાયર ફાટવું હતું. ટાયર ફાટવાને કારણે વાહન ભારે વાહન સાથે અથડાયું હતું જેના કારણે બોલેરોમાં સવાર ૮ લોકોના કરૂણ મોત નિપજ્યા હતા. આ અકસ્માત બુધવારે રાત્રે લગભગ ૧૦.૩૦ કલાકે થયો હતો.
અકસ્માતની બીજી ઘટના ઓડિશાના કેઓંઝર જિલ્લાના ચંપુઆ વિસ્તારમાં બની હતી. બુધવારે સાંજે એક માર્ગ અકસ્માતમાં છ લોકોના મોત થયા હતા. પોલીસે જણાવ્યું છે કે મૃતકોમાં ચાર મહિલાઓનો સમાવેશ થાય છે. તમામ મૃતકો કારમાં મુસાફરી કરી રહ્યા હતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે તમામ છ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તેઓ એક જ પરિવારના સભ્યો હતા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.
અકસ્માતના ત્રીજા ખરાબ સમાચાર તામિલનાડુથી આવ્યા છે. અહીં ચેન્નઈ-ત્રિચી નેશનલ હાઈવે પર મદુરંતકમ ખાતે બસ અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે અને ૧૫થી વધુ લોકો ઘાયલ થયા છે. મળતી માહિતી મુજબ, ઓવરટેક કરવાનો પ્રયાસ કરતી વખતે કાબૂ ગુમાવવાને કારણે બસ એક લારી સાથે અથડાઈ ત્યારે આ અકસ્માત થયો હતો.