અમદાવાદ, શહેરના બોપલ પોલીસ સ્ટેશનની હદમાં આવતા એસપી રિંગ રોડ પાસે એક અજાણ્યા પુરુષની અર્ધનગ્ન હાલતમાં લાશ મળી હતી. જેને લઇને પોલીસે તપાસ કરીને લાશની ઓળખ કરતા નિર્ણયનગરના યુવકની હોવાનું સામે આવ્યું હતું અને તેની હત્યા થઇ હોવાનું જણાયું હતું. મૃતકના પરિવારજનોને પોલીસે જાણ કરતા આ યુવક બે દિવસથી ગુમ હતો. મૃતકના પરિવારજનોએ મૃતકની સાથે નોકરી કરતા અને સમલૈગિંક સંબંધ ધરાવતા વ્યક્તિ પર શંકા દાખવતા પોલીસે તે શંકાસ્પદ વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
નિર્ણયનગર ખાતે આવેલા શાન્તારામ કોમ્પલેક્ષ પાસે રહેતા નિલેષભાઇ વાઘેલા વૈષ્ણોદેવી સર્કલ પાસે આવેલી એસજીવીપી હોસ્પિટલમાં મેડિકલ સ્ટોરમાં નોકરી કરતા હતા. તેમના પરિવારમાં પત્ની અને પુત્ર તથા પુત્રી છે. નિલેષભાઇ ગત તા. ૧૧મીએ સવારે ઘરેથી નીકળીને નોકરીએ ગયા હતા. પરંતુ સાંજે ઘરે આવ્યા ન હોવાથી પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી. તેવામાં નિલેષભાઇના પરિવારે હોસ્પિટલમાં પહોંચીને તપાસ કરતા સાંજે પંચિંગ કરીને નીકળી ગયા હોવાનું સામે આવ્યું હતું. તેવામાં સોમવારે એસપી રિંગ રોડ પર શક્તિ કન્વેન્શનલની બાજુના વરંડામાં અવાવરું જગ્યાએ અર્ધનગ્ન હાલતમાં લાશ મળી આવી હતી. જે લાશની ઓળખ કરતા નિલેષભાઇની હોવાથી બોપલ પોલીસે નિલેષભાઇના પરિવારને બોલાવીને ખરાઇ કરી હતી. ત્યારે નિલેષભાઇની લાશ અર્ધનગ્ન અવસ્થામાં હોવાથી તેમના પરિવારજનોએ એક શખ્સ પર શંકા દાખવી હતી. નિલેષભાઇની સાથે હોસ્પિટલમાં હાઉસકિપિંગનું કામ કરતો અને સમલૈંગિક સંબંધ ધરાવતો શખ્સ નિલેષભાઇને અવારનવાર હેરાન કરતો હોવાનો આક્ષેપ થતાં બોપલ પોલીસે આ મામલે ગુનો નોંધી શંકાસ્પદ આરોપીની અટકાયત કરી છે.
મૃતક નિલેષભાઇના પરિવારજનોએ સમલૈંગિક શખ્સ પર શંકા દાખવતા પોલીસે આરોપીની પૂછપરછ શરૂ કરી છે. બીજીતરફ પોલીસને લાશ મળી ત્યારે અર્ધનગ્ન અને ડિકમ્પોઝ હાલતમાં લાશ મળી હતી. એફએસએલે પ્રાથમિક તપાસ કરતા નિલેષભાઇ સાથે ઝપાઝપી કર્યા બાદ તેનું ગળું દબાવીને હત્યા કરાઇ હોવાનું સામે આવ્યું છે.