પ્રસિદ્ધ અભિનેત્રી શબાના આઝમીને ભારતીય સિનેમામાં તેમના નોંધપાત્ર યોગદાન અને મહિલાઓના અધિકારોને પ્રોત્સાહન આપવા બદલ ‘ફ્રીડમ ઑફ ધ સિટી ઑફ લંડન’ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવી છે. શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે પાંચ રાષ્ટ્રીય પુરસ્કારો અને છ ફિલ્મફેર પુરસ્કારો જીતનાર ૭૩ વર્ષીય અભિનેત્રીને ગયા અઠવાડિયે લંડનમાં આયોજિત યુકે એશિયન ફિલ્મ ફેસ્ટિવલ સમારોહમાં સન્માન મળ્યું હતું. આ એવોર્ડ જાહેર જીવનમાં નોંધપાત્ર યોગદાન માટે આપવામાં આવે છે.
શબાના આઝમીએ કહ્યું કે ‘ફ્રીડમ ઓફ ધ સિટી ઓફ લંડન’ એવોર્ડ મેળવીને હું ગૌરવ અનુભવું છું. તે સિનેમાની શક્તિ અને સક્રિયતાનો પુરાવો છે કે આપણે સીમાઓ ઓળંગી શકીએ છીએ અને સમાજ પર અર્થપૂર્ણ અસર કરી શકીએ છીએ. હું આ સન્માન માટે આભારી છું અને હકારાત્મક પરિવર્તનની હિમાયત કરવા માટે મારા અવાજ અને પ્લેટફોર્મનો ઉપયોગ કરવા માટે પ્રતિબદ્ધ છું.
શબાના આઝમીએ સત્યજીત રેની ૧૯૭૪માં આવેલી ફિલ્મ ‘અંકુર’થી પોતાની સફરની શરૂઆત કરી હતી. આ ફિલ્મ આ વર્ષે યુકેએએફએફ ખાતે “સેલિબ્રેટિંગ ધ ગોલ્ડન ગર્લ ઓફ ઈન્ડિયન સિનેમા” સેગમેન્ટના ભાગ રૂપે દર્શાવવામાં આવેલી ફિલ્મોમાંની એક હતી.