
નવીદિલ્હી,સીએમ આવાસ પર આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે અભદ્ર વર્તનના મામલે ભાજપ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પર સતત પ્રહારો કરી રહ્યું છે. આ બાબતને લઈને ભાજપની મહિલા કાર્યકરોએ દિલ્હીમાં મુખ્યમંત્રી આવાસ પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને સૂત્રોચ્ચાર કર્યા હતા.
નવી દિલ્હી લોક્સભા સીટના બીજેપી ઉમેદવાર બાંસુરી સ્વરાજે કહ્યું, ’અરવિંદ કેજરીવાલ ચૂપ રહ્યાને ૪૮ કલાકથી વધુ સમય થઈ ગયો છે. જ્યારે તેઓ તેમના સત્તાવાર નિવાસસ્થાને હાજર હતા, ત્યારે તેમના ઓએસડીએ સ્વાતિ માલીવાલ સાથે દુર્વ્યવહાર કર્યો હતો, જે છછઁ રાજ્યસભાના સાંસદ છે. મને નવાઈ લાગે છે કે અરવિંદ કેજરીવાલ કેમ ચૂપ છે. ગઈકાલે સંજય સિંહે સ્પષ્ટ કર્યું કે આ ઘટના સાચી છે, અત્યાર સુધી આપે માત્ર આ ઘટનાની નિંદા કરી છે, અરવિંદ કેજરીવાલે કેમ પગલાં લીધાં નથી? જો અરવિંદ કેજરીવાલ પોતાની પાર્ટીની મહિલા સાંસદની સુરક્ષા પોતાના નિવાસસ્થાને સુનિશ્ર્ચિત કરી શક્તા નથી તો તેઓ દિલ્હીની મહિલાઓની સુરક્ષા કેવી રીતે સુનિશ્ર્ચિત કરશે.
દિલ્હી બીજેપી અયક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું, ’આ ઘટના મુખ્યમંત્રી આવાસમાં બની છે, મુખ્યમંત્રી ત્યાં હાજર હતા, તો તેમણે આગળ આવીને મૌન તોડ્યું, તેમણે બંગડીઓ કેમ પહેરી છે? તેઓએ જવાબ આપવો જોઈએ કે તેમના ઘરમાં બનેલી ઘટના માટે કોણ જવાબદાર છે અને તેઓ શું પગલાં લઈ રહ્યા છે. આ ઘટનાને ૫૦ કલાક થઈ ગયા છે, નોંધ લેવામાં કેટલો સમય લાગે છે? આ ઘટના અરવિંદ કેજરીવાલની સામે બની છે અને તેઓ પોતે પણ શંકાના દાયરામાં છે, એટલા માટે તેઓ પોતાનું મૌન તોડી રહ્યા નથી.