ચીન અને ઇરાન વચ્ચે વધતી દોસ્તી વચ્ચે ભારતે ચાબહાર બંદર માટે દસ વર્ષની દીર્ઘ સમજૂતી કરીને મોટી કૂટનીતિક સફળતા મેળવી છે. આ સમજૂતી પાકિસ્તાન માટે મોટો ઝાટકો છે. હવે ભારત પાકિસ્તાનને બાયપાસ કરીને સીધું અફઘાનિસ્તાન, ઇરાન, મય એશિયા અને યુરોપ સુધી પહોંચી શકશે. ચાલુ ચૂંટણીઓ વચ્ચે થયેલી આ સમજૂતીથી ભારત માટે ઇરાનના ચાબહાર બંદરનું મહત્ત્વ સમજી શકાય છે. મુંબઈ બંદરથી ચાબહાર બંદર સુધી જળમાર્ગ ભારત માટે યુરોપનું દ્વાર ખોલે છે. ભારત અને ઇરાને ચાબહારમાં આવેલ શાહિત બેહશ્તી બંદરના ટમનલના પરિચાલન માટે સોમવારે બંદર, જહાજરાની અને જલમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલની હાજરીમાં કરાર પર હસ્તાક્ષર કર્યા. આ પહેલો પ્રસંગ છે કે જ્યારે ભારતે વિદેશમાં સ્થિત કોઈ બંદરનું પ્રબંધન પોતાના હાથમાં લીધું છે. ચાબહાર બંદર ઇરાનના દિક્ષણી તટ પર સિસ્તાન-બલુચિસ્તાન પ્રાંતમાં આવેલું છે. આ બંદરને ભારત અને ઇરાન મળીને વિકસિત કરી રહ્યા છે, લાભ અફઘાનિસ્તાનને પણ થશે.
ચાબહાર બંદર ‘આંતરરાષ્ટ્રીય ઉત્તર-દક્ષિણ પરિવહન કોરિડોર’ (આઇએનએસટીસી) પરિયોજનાની એક મુખ્ય લિંક છે. આઇએનએસટીસી પરિયોજના ભારત, ઇરાન, અફઘાનિસ્તાન, આર્મેનિયા, અઝરબૈજાન, રશિયા, મય એશિયા અને યુરોપ વચ્ચે માલવહન માટે ૭,૨૦૦ કિલોમીટર લાંબી એક બહુસ્તરીય પરિવહન પરિયોજના છે. ભારતે ૨૦૨૪-૨૫ માટે ચાબહર બંદર માટે ૧૦૦ કરોડ રૂપિયા ફાળવ્યા છે. પીએમ મોદીના નેતૃત્વમાં ૨૩ મે, ૨૦૧૬ના રોજ ચાબહારમાં નિર્માણને લઈને રણનીતિક સમજૂતી થઈ હતી. ત્યારબાદ ૨૦૧૮માં જ્યારે ઇરાનના તત્કાલીન રાષ્ટ્રપતિ હસન રુહાની નવી દિલ્હી આવ્યા તો ચાબહાર બંદર પર ભારતની ભૂમિકા પર વાતચીત થઈ હતી. જાન્યુઆરી ૨૦૨૪માં જ્યારે વિદેશ મંત્રી એસ.જયશંકર તેહરાનમાં હતા ત્યારે પણ આ મુદ્દો ઉઠ્યો હતો. ૨૦૧૬થી જ ભારત ચાબહારને વિકસિત કરી રહ્યું છે, પરંતુ અમેરિકી પ્રતિબંધ બાદથી ભારતની ઉદાસીનતાને કારણે ચાબહાર ડીલની ગતિ સુસ્ત પડી ગઈ હતી. બદલાતા ભૂરાજકીય પરિદૃશ્યમાં ચીનની ઇરાનમાં વધતી દિલચસ્પીથી ચાબહાર પોર્ટ સમજૂતી પર પણ ગ્રહણ લાગતું દેખાયું, પરંતુ ઇરાને ભારતની સાથે પોતાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધોને વધુ પ્રાથમિક્તા આપી અને અંતે ચાબહાર સમજૂતીનો માર્ગ ખૂલ્યો. ભારત ઇરાનનું મોટું તેલ ખરીદાર છે. ભારતે હાલમાં જે રીતે સઉદી અરબ, સંયુક્ત અરબ અમીરાત સાથે પોતાના વેપારી સંબંધો મજબૂત કર્યા છે અને સઉદી અરબ અને ઇરાનમાં નજદિકી વધી છે, તેને જોતાં ઇરાન સાથે ભારતની વ્યાપારિક પ્રગાઢતાથી મય એશિયા અને ખાડી ક્ષેત્રમાં ભારતની પહોંચ વધશે. ઇરાન પ્રાકૃતિક ગેસનું મોટું નિકાસકર છે. અરબ સાગર, એડનની ખાડી અને લાલ સાગરમાં ભારતીય નૌસૈનિક બહુ મજબૂત છે, તેથી આ ક્ષેત્રના દેશો સાથે ભારતના સારા સંબંધો ભારત માટે સારું છે. આ સમજૂતીથી ભારતને પાકિસ્તાનના ગ્વાદર બંદર સાથે સાથે ચીનની બેલ્ટ એન્ડ રોડ ઇનિશિએટીવને પણ કાઉન્ટર કરવામાં મદદ મળશે. કઝાખસ્તાન અને ઉઝબેકિસ્તાન જેવા સંસાધન સંપન્ન મધ્ય એશિયાઈ દેશો હિંદ મહાસાગર ક્ષેત્ર અને ભારતીય બજાર સુધી પહોંચવા માટે ચાબહારનો ઉપયોગ કરવા માગે છે. આ સમજૂતી ભારતની પ્રગતિ માટે મોટી ઉપલબ્ધિ કહી શકાય.