
ગાંધીનગર, વાઈબ્રન્ટ ગુજરાતમાં રોજગારીના સંપૂર્ણ તકના દાવાના બણગાં ફૂંક્તી રાજ્ય સરકારની વરવી હકિક્ત સામે આવી છે. હાલમાં પણ ગુજરાતમાં શિક્ષિત બેરોજગારો નોકરી માટે ફાંફા મારી રહ્યા છે. પીએસઆઈ અને લોકરક્ષક માટે કુલ ૧૨,૨૭૨ જગ્યાની ભરતી પ્રક્રિયા શરૂ કરાઇ છે ત્યારે અત્યાર સુધી પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડને અધધધ કહી શકાય તેટલી ૧૫ લાખ અરજીઓ મળી છે. આ પરથી ગુજરાતમાં બેરોજગારીનુ અસલી ચિત્ર ઉપસી આવ્યુ છે.
વર્ષ ૨૦૨૩નું વર્ષ ભરતી બોર્ડના નામે પૂર્ણ કરાયું હતું. ત્યારબાદ આ વર્ષે લોક્સભા ચૂંટણી અગાઉ ઉમેદવારોએ વારંવાર રજૂઆત કરી સરકારને કઠેડામાં ઉભી કરી દીધી હતી. આખરે લોક્સભા ચૂંટણી જાહેર થાય એ પહેલા સરકાર સફાળી જાગી હતીને ૧૨મી માર્ચે ૨૦૨૪ના રોજ ૧૨,૨૭૨ જગ્યાની પોલીસ સંવર્ગની ભરતી બહાર પાડવામાં આવી હતી.
ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલે ટ્વિટ કર્યુ હતું કે, ઓગસ્ટ સપ્ટેમ્બરમાં લોકરક્ષક તથા પીએસઆઇ માટેની અરજી ફરી મંગાવવામાં આવશે. શૈક્ષણિક લાયકાત, ઉંમર સહિતના કારણોસર કારણોસર અરજી ન કરી શકે તે ઉમેદવારને અરજી કરવાની તક મળશે.પીએસઆઇના પદ માટે ઉમેદવાર પાસે સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ જયારે લોકરક્ષક કેડરની નોકરી માટે ધો.૧૨ પાસ હોવું જરૂરી છે.
ગુજરાતમાં શિક્ષિત યુવા બેરોજગારોની સંખ્યા દિનદિને વધતી જાય છે. કેલેન્ડર મુજબ સરકારી નોકરીની ભરતી થતી નથી, ત્યારે શિક્ષિત બેરોજગારોની દશા કફોડી બની છે કેમકે, સખત મહેનત અને પૈસા ખર્ચ્યા પછી ય પરિણામ મળતું નથી આખરે નાછૂટકે યુવાઓને ખાનગી નોકરી મેળવવા મજબૂર થવુ પડે છે.
પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડને અત્યાર સુધી પીએસઆઇ માટે ૪.૫ લાખ એને લોકરક્ષક દળ માટે ૯.૮૩ લાખ અરજીઓ મળી છે. ૧૫મી સપ્ટેમ્બર બાદ આખીય પ્રક્રિયા શરૂ થશે. ફિઝીકલ ટેસ્ટ ઓક્ટોબર-નવેમ્બરમાં લેવાય તેવી સંભાવના છે. ટૂંકમાં, પીએસઆઈ અને લોકરક્ષક દળ માટે અરજીઓનો ઢગલો થયો છે તે જોતા ચોક્કસ કહી શકાય કે, ગુજરાતમાં બેરોજગારની સમસ્યાએ ફેણ માંડી છે તે અસલિયત ભાજપ સરકાર છુપાવી શકે તેમ નથી.