ભારત-ઈરાન વચ્ચે ચાબહાર પોર્ટ કરાર થતાં અમેરિકાની ચેતવણી

વોશિગ્ટન, ભારતે ઈરાનના ચાબહાર પોર્ટને દસ વર્ષ માટે વહીવટ કરવા માટે ઈરાન સાથે કરાર કર્યો છે. આ બંદરના સંચાલનની સાથે ભારત તેનો વિકાસ પણ કરશે. પરંતુ હવે અમેરિકાએ આ ડીલને લઈને ચેતવણી આપી છે. અમેરિકાએ ચેતવણી આપી છે કે ઈરાન સાથે વેપાર કરવાનું વિચારી રહેલા કોઈપણને અમારી તરફથી સંભવિત પ્રતિબંધોના જોખમોથી વાકેફ રહેવાની જરૂર છે.

જ્યારે અમેરિકાના સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપલ ડેપ્યુટી પ્રવક્તા વેદાંત પટેલને ચાબહાર પોર્ટને લઈને ભારત અને ઈરાન વચ્ચે થયેલી સમજૂતી વિશે પૂછવામાં આવ્યું ત્યારે પ્રવક્તાએ કહ્યું કે, અમે એવા અહેવાલોથી વાકેફ છીએ કે ઈરાન અને ભારતે ચાબહાર પોર્ટને લઈને કરાર કર્યો છે. ભારત સરકારની પોતાની વિદેશ નીતિ છે. તે ચાબહાર પોર્ટ અને ઈરાન સાથેના તેમના દ્વિપક્ષીય સંબંધોને લઈને ઈરાન સાથે કરવામાં આવેલા સોદાને વધુ સારી રીતે સમજે છે. પરંતુ જ્યાં સુધી અમેરિકાનો સવાલ છે. ઈરાન પર અમેરિકન પ્રતિબંધો ચાલુ રહેશે.

જ્યારે તેમને પ્રતિબંધો વિશે પૂછવામાં આવ્યું કે, શું આનો અર્થ એ છે કે ભારતીય કંપનીઓ પર પણ નિયંત્રણો લાદી શકાય છે. આના પર તેમણે કહ્યું કે હું તમને જણાવી દઉં કે જો કોઈ ઈરાન સાથે બિઝનેસ ડીલ કરવા પર વિચાર કરી રહ્યું છે તો તેને તેના સંભવિત જોખમો જાણી લેવા જોઈએ. તેમને ખબર હોવી જોઈએ કે તેમના પર પ્રતિબંધો પણ લાદવામાં આવી શકે છે.

ઈરાનમાં બની રહેલા ચાબહાર પોર્ટને પણ ચીન અને પાકિસ્તાનને વળતો જવાબ માનવામાં આવી રહ્યું છે. ગ્વાદર પોર્ટમાં ચીનની હાજરીને કારણે ચાબહાર પોર્ટ ભારતનુ હોવું ભારત માટે વ્યૂહાત્મક રીતે ફાયદાકારક છે. ચીન પાકિસ્તાનમાં ગ્વાદર પોર્ટ બનાવી રહ્યું છે. ગ્વાદર પોર્ટ અને ચાબહાર બંદર વચ્ચે રોડ માર્ગે ૪૦૦ કિલોમીટરનું અંતર છે. જ્યારે દરિયામાં આ અંતર લગભગ ૧૦૦ કિલોમીટર છે.

આ બંદરનું મહત્વ છે કે ભારત હવે અફઘાનિસ્તાન અને મય એશિયાઈ દેશો સાથે મુક્ત વેપાર કરી શકે. વ્યૂહાત્મક રીતે આ બંદર વેપાર-વાણિજ્યની દ્રષ્ટિએ ઘણું મહત્વ ધરાવે છે. ભારત પાકિસ્તાનની મદદ લીધાં વિના સરળતાથી પોતાનો વેપાર કરી શકશે. પરિણામે ભારતને ઈરાન અને અફઘાનિસ્તાનની સાથે સીધી કનેક્ટિવિટી મળશે. ઉપરાંત બંદર ભારતના આઈએમએસસીટી પ્રોજેક્ટનું હબ પણ છે. ચાબહાર બંદર ૭૨૦૦ કિ.મી. લાંબો મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ છે. ભારતથી ઈરાન, અફઘાનિસ્તાન, આર્મેનિયા, અઝારબૈજાન, રશિયા, મય એશિયા, યુરોપ સુધી માલવાહનનું પરિવહન કરી શકાશે.