પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝ પર વધુ એક ગંભીર આરોપ,ડાન્સરે ફરિયાદ કરી

  • થોડા અઠવાડિયા પહેલા જ રાજભવનની એક મહિલા હંગામી કર્મચારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

કોલકતા, પશ્ચિમ બંગાળના ગવર્નર સીવી આનંદ બોઝની મુશ્કેલીઓ વધી રહી છે. હવે એક ડાન્સરે રાજ્યપાલ પર ગંભીર આરોપ લગાવ્યા છે. નૃત્યાંગનાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, થોડા મહિના પહેલા તે એક પ્રખ્યાત સંગીતકાર મારફતે કોલકાતામાં રાજભવન ગઈ હતી. આ પછી રાજ્યપાલ સાથે તેમની વાતચીત શરૂ થઈ. નૃત્યાંગનાએ રાજ્યપાલને પોતાની સમસ્યાઓ જણાવી. નૃત્યાંગનાનો દાવો છે કે રાજ્યપાલે તેની સમસ્યાના ઉકેલ માટે તેને એક અધિકારી સાથે પરિચય કરાવવાનું વચન આપ્યું હતું.

ડાન્સરનો એવો પણ દાવો છે કે રાજ્યપાલ તેને દિલ્હી લઈ ગયા અને એક હોટલમાં તેની સાથે બળાત્કાર કર્યો. મળતી માહિતી મુજબ, કથિત પીડિતાએ થોડા મહિના પહેલા કોલકાતા પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. પરંતુ આ મામલો ત્યારે સામે આવ્યો જ્યારે કોલકાતા પોલીસે તપાસ રિપોર્ટ રાજ્ય સચિવાલય નબન્નાને મોકલ્યો.

ડાન્સરનો એવો પણ આરોપ છે કે આ ઘટના ૬-૭ મહિના પહેલા દિલ્હીની એક હોટલમાં બની હતી. ડાન્સરનો દાવો છે કે તેણે તરત જ આ અંગે કોલકાતા પોલીસ કમિશનરને ફરિયાદ કરી હતી. રાજ્યપાલ પર આ બીજો ગંભીર આરોપ છે. થોડા અઠવાડિયા પહેલા જ રાજભવનની એક મહિલા હંગામી કર્મચારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસને આપેલા તેના નિવેદન મુજબ રાજ્યપાલે મહિલાને તેની નોકરી કાયમી કરવાની ખાતરી આપી હતી.

આ સમગ્ર મામલે રાજ્યમાં રાજનીતિ પણ થઈ રહી છે અને મુખ્યમંત્રી મમતા બેનર્જી સહિત ટીએમસીના નેતાઓ પર પ્રહારો શરૂ થઈ ગયા છે. હાલમાં જ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ સરકાર પર નિશાન સાધતા કહ્યું હતું કે તેઓ રાજભવન જવાથી ડરે છે.

બીજી તરફ રાજભવને પણ આ મામલે નિવેદન જાહેર કર્યું છે. રાજભવન દ્વારા પહેલાથી જ એક વીડિયો ફૂટેજ બહાર પાડવામાં આવ્યો છે. જેમાં એક મહિલા કર્મચારી રાજભવનના ગેટ સામે ચાલતી જોવા મળી હતી જો કે વીડિયો ફૂટેજના આધારે કોલકાતા પોલીસે દાવો કર્યો હતો કે મહિલા રડતી જોવા મળી હતી. ટીએમસીએ કોરિડોરનો વીડિયો સાર્વજનિક કરવાની માંગ કરી છે.