નવીદિલ્હી, રાષ્ટ્રીય રાજધાનીની ઘણી હોસ્પિટલોને બોમ્બની ધમકી મળી છે. તિહાર જેલને બોમ્બની ધમકી આપતો ઈ-મેલ પણ મળ્યો છે, જે બાદ તિહાર જેલ પ્રશાસન એલર્ટ પર છે. રિપોર્ટ અનુસાર, જે હોસ્પિટલોને ધમકીઓ મળી છે તેમાં દીપચંદ બંધુ હોસ્પિટલ, જીટીબી હોસ્પિટલ, દાદા દેવ હોસ્પિટલ, હેડગેવાર હોસ્પિટલ અને અન્યનો સમાવેશ થાય છે.
દિલ્હી ફાયર સવસના વડા અતુલ ગર્ગે જણાવ્યું હતું કે તેમને મંગળવારે ચાર હોસ્પિટલોમાંથી બોમ્બની ધમકીના ચાર કોલ મળ્યા હતા. ફાયર વિભાગને સવારે ૧૦:૪૫ વાગ્યે અશોક વિહારની દીપ ચંદ બંધુ હોસ્પિટલથી, ૧૦:૫૫ વાગ્યે ડાબરીની દાદા દેવ હોસ્પિટલમાંથી, સવારે ૧૧:૦૧ વાગ્યે ફરશ બજારની હેડગેવાર હોસ્પિટલથી અને સવારે ૧૧:૧૨ વાગ્યે કોલ આવ્યો હતો.
અધિકારીઓએ જણાવ્યું કે માહિતી મળ્યા બાદ તરત જ ટીમોને હોસ્પિટલો મોકલવામાં આવી હતી. ધમકી બાદ ઘણી હોસ્પિટલોને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી. દિલ્હી પોલીસ અને ફાયર સવસનું સર્ચ ઓપરેશન ચાલુ છે. બોમ્બ સ્કવોડ, ડોગ સ્ક્વોડ, ફાયર એન્જિન અને એમ્બ્યુલન્સ તમામ ઘટના સ્થળે છે. ભારત નગર પોલીસ સ્ટેશનના વડા સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે.