દિલ્હી દારૂ કૌભાંડ: મની લોન્ડરિંગ કેસમાં ’આપ’ પાર્ટીને આરોપી બનાવવામાં આવશે

નવીદિલ્હી, દિલ્હી દારૂ કૌભાંડમાં આમ આદમી પાર્ટીને પણ આરોપી બનાવવામાં આવશે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ મંગળવારે દિલ્હી હાઈકોર્ટમાં આ માહિતી આપી હતી. મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાની જામીન અરજીનો વિરોધ કરતી વખતે ED એ આ દલીલ કરી હતી.

ન્યાયાધીશ સ્વર્ણકાંત શર્મા સમક્ષ દલીલ કરતી વખતે, ઈડીના વકીલે કહ્યું કે આ કેસમાં અમે અમારી આગામી પ્રોસિક્યુશન ફરિયાદ (ચાર્જશીટ)માં ’આપ’ને સહ-આરોપી બનાવવાના છીએ. વકીલે વધુમાં કહ્યું કે આરોપી પક્ષ આ કેસમાં આરોપ ઘડવાની પ્રક્રિયામાં વિલંબ થાય તે માટે તમામ પ્રયાસો કરી રહ્યો છે.

બીજી તરફ સિસોદિયાના વકીલે તેમની જામીનની માંગ કરતા કહ્યું કે ઈડી અને સીબીઆઇ હજુ પણ મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચારના મામલામાં લોકોની ધરપકડ કરી રહી છે. આ કેસનો જલ્દી નિકાલ થવાનો નથી. સમાચાર લખાય છે ત્યાં સુધી આ કેસમાં સુનાવણી ચાલી રહી છે.