- ૨૫ અઠવાડિયાની ગર્ભવતીને; હાઈકોર્ટે ગર્ભપાત કરાવવા માટેની મંજૂરી આપી
મુંબઇ, બદલાતા સમયની સાથે બધુ જ બદલાઈ રહ્યું છે. જેમાં ખાસ કરીને વધતા જતા મોબાઈલ અને સોશિયલ મીડિયાના ક્લચરને કારણે સમાજ સાથેની નિસ્બત, સામાજિક સંબંધો, પરિવારની અસ્મિતા, સંબંધોની ગરમી આ બધુ જ કોરાણે મુકાઈ ગયું છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જે માબાપના હોંશકોશ ઉડાડી દેશે. ૧૨ વર્ષની છોકરી પર ૧૪ વર્ષના ભાઈ દ્વારા બળાત્કાર ગુજારી તેને ગર્ભવતી બનાવી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવતા હડકંપ મચી ગયો છે. બોમ્બે હાઈકોર્ટે ઐતિહાસિક નિર્ણય આપતાં ૧૨ વર્ષની બળાત્કાર પીડિતાને ૨૫ અઠવાડિયાથી વધુની પ્રેગ્નન્સીનો ગર્ભપાત કરવાની મંજૂરી આપી છે. પીડિતા ૨૫ અઠવાડિયા અને ૪ દિવસની ગર્ભવતી છે.
બોમ્બે હાઈકોર્ટે, ઐતિહાસિક નિર્ણય આપતાં, ૧૨ વર્ષની બળાત્કાર પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી છે. પીડિતા ૨૫ અઠવાડિયા અને ૪ દિવસની ગર્ભવતી છે અને કોર્ટે તેના કલ્યાણ અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય આપ્યો છે. જસ્ટિસ સંદીપ માર્ને અને જસ્ટિસ નીલા ગોખલેની વેકેશન બેન્ચે જેજે હોસ્પિટલના મેડિકલ બોર્ડ દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટ પર વિચાર કરીને કહ્યું કે પીડિતા સગીર છે અને તેની સુખાકારી અને સલામતી સર્વોપરી છે.
જેજે હોસ્પિટલના મેડિકલ બોર્ડ દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટમાં માનવતાના આધાર પર ગર્ભધારણ સમાપ્ત કરવાની ભલામણ કરવામાં આવી હતી. આ પહેલા ૯ મેના રોજ હાઈકોર્ટે મેડિકલ બોર્ડને યુવતીની તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. છોકરીની માતાએ વકીલ એશ્લે કુશેર મારફત હાઈકોર્ટમાં મેડિકલ ટમનેશન ઓફ પ્રેગ્નન્સી (એમટીપી) માટે પરવાનગી માંગી હતી, કારણ કે ગર્ભપાત માટેની કાયદાકીય મર્યાદા ૨૪ અઠવાડિયા છે અને તેની પુત્રીની ગર્ભાવસ્થા તેને વટાવી ગઈ હતી.
અહેવાલ મુજબ, બંને હાઈકોર્ટના ન્યાયાધીશોએ એમટીપી અથવા તબીબી ગર્ભપાતને આગળ વધવાની મંજૂરી આપતી વખતે તેની ઉંમર અને ’તે સગીર ગર્ભવતી હોવાની હકીક્તથી અજાણ હતી’ જેવા અન્ય સંજોગોને યાનમાં લીધા હતા. પરિસ્થિતિની તાકીદને યાનમાં રાખીને, તેમણે હોસ્પિટલને એમટીપી શરૂ કરવા માટે તાત્કાલિક એક ટીમ બનાવવાનો નિર્દેશ આપ્યો છે. ૨ મેના રોજ યુવતીએ પેટમાં દુખાવાની ફરિયાદ કરી હતી. આ પછી બાળકીની માતા તેને સ્વાસ્થ્ય કેન્દ્રમાં લઈ ગઈ, જ્યાં પ્રેગ્નન્સીની પુષ્ટિ થઈ. યુવતીએ તેની માતાને જણાવ્યું હતું કે ગયા વર્ષે ઓક્ટોબરમાં જ્યારે ઘરે કોઈ નહોતું ત્યારે તેના ૧૪ વર્ષના મોટા ભાઈએ તેની સાથે બળજબરીપૂર્વક શારીરિક સંબંધો બાંધ્યા હતા. આ સાથે તેને ડરાવી ધમકાવી હતી કે જો તે કોઈને કહેશે તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે.
મેડિકલ ટમનેશન ઑફ પ્રેગ્નન્સી એક્ટ હેઠળ, ગર્ભાવસ્થાના ૨૪ અઠવાડિયા સુધી તબીબી ગર્ભપાતની મંજૂરી છે. આમાં પરિણીત મહિલાઓ, બળાત્કાર પીડિતા, વિકલાંગ મહિલાઓ અને સગીર છોકરીઓને આ કરવાની છૂટ છે. જો પ્રેગ્નન્સી ૨૪ અઠવાડિયાથી વધુ હોય તો મેડિકલ બોર્ડની સલાહ પર કોર્ટમાંથી ગર્ભપાતની પરવાનગી લેવી પડે છે.