કોરોનાના નવા વેરિઅન્ટે ફરીથી ટેન્શન વધાર્યું, મહારાષ્ટ્રમાં ૯૧ કેસ સામે આવ્યા

નવીદિલ્હી, કોરોના વાયરલને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, વિશ્ર્વના ઘણા દેશોમાં કોરોનાના ઓમિક્રોન સબવેરિયન્ટ કેપી.૨ ના કેસો ઝડપથી સામે આવી રહ્યા છે. જો આપણે ભારતની વાત કરીએ તો સબવેરિયન્ટ કેપી.૨ ને કારણે મહારાષ્ટ્રમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે. અહેવાલો અનુસાર મહારાષ્ટ્રમાં ઓમિક્રોન સબવેરિયન્ટ કેપી.૨ ના ૯૧ કેસની ઓળખ કરવામાં આવી છે.

કોવિડના કેપી.૨ સબવેરિયન્ટે મહારાષ્ટ્રમાં જેએન.૧ વેરિઅન્ટને પાછળ છોડી દીધું છે. જેના કારણે ઘણા દેશોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. અહેવાલો અનુસાર કેપી.૨ સબવેરિયન્ટના ૫૧ કેસ પુણેમાં અને ૨૦ કેસ થાણેમાં નોંધાયા છે.કેપી.૨ સબવેરિયન્ટને જાન્યુઆરીમાં વૈશ્ર્વિક સ્તરે પ્રથમવાર ઓળખવામાં આવ્યું હતું. હાલમાં યુએસમાં કેપી.૨ પ્રબળ પ્રકાર છે. મહારાષ્ટ્રમાં પણ કેપી.૨ ના કેસો પ્રથમ જાન્યુઆરીમાં ઓળખાયા હતા.

માર્ચ અને એપ્રિલ સુધીમાં કોરોનાના આ પ્રકારને કારણે મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં ઝડપથી વધારો થયો છે. રાહતની વાત એ છે કે, કોરોનાના આ પ્રકારનો હજુ સુધી કોઈ ગંભીર કેસ નોંધાયો નથી. હળવા લક્ષણોવાળા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર નથી. નિષ્ણાતોના મતે આ વેરિઅન્ટને કારણે આ ઉનાળામાં કોવિડ કેસોમાં થોડો વધારો થશે.

યુએસમાં ૨૮% કોવિડ કેસ કેપી.૨ વેરિઅન્ટના છે જે એપ્રિલના મયમાં માત્ર ૬% હતા. જેના પરથી સ્પષ્ટ થાય છે કે, કોરોનાના નવા કેસોમાં સૌથી મોટો હિસ્સો તે જવાબદાર છે. તેણે જેએન.૧ વેરિઅન્ટને પાછળ છોડી દીધું જે શિયાળામાં કોરોના કેસ માટે જવાબદાર હતું. તમને જણાવી દઈએ કે, ૨૦૨૦થી અમેરિકામાં દર ઉનાળામાં કોવિડના કેસમાં વધારો થયો છે. જો કેપી.૨ ફેલાવાનું ચાલુ રાખે તો આ પેટર્ન પુનરાવતત થઈ શકે છે.