નવીદિલ્હી, નીતિ આયોગના ભૂતપૂર્વ ચીફ એક્ઝિક્યુટિવ ઑફિસર અમિતાભ કાંતનું અનુમાન છે કે ૨૦૨૫ સુધીમાં ભારત દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. ૨૦૨૨માં ભારત બ્રિટનને પછાડી પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની હતી. હાલમાં ભારત આગળ અમેરિકા, ચીન, જર્મની અને જપાનની અર્થવ્યવસ્થા છે. એક દશક પહેલાં ૨૦૧૪માં ભારતની અર્થવ્યવસ્થા દુનિયાની ૧૧મી સૌથી મોટી અર્થવ્યવસ્થા હતી.
ભારતમાં યોજાયેલી ય્-૨૦ સમિટના શેરપા અમિતાભ કાંત હતા. તેમના જણાવ્યા અનુસાર ૨૦૧૩માં મૉર્ગન સ્ટૅનલી દ્વારા ફ્રેજાઇલ ફાઇવ ઇકૉનૉમીમાં ભારતનો સમાવેશ હતો, પણ ત્યાંથી ટોચની પાંચ અર્થવ્યવસ્થામાં પહોંચવાની ભારતની યાત્રા ઘણી મહત્ત્વની છે. એનાં મુખ્ય કારણ છે રેકૉર્ડ જીએસટી (ગુડ્સ ઍન્ડ સવસિસ ટૅક્સ) કલેક્શન, પાછલા ત્રિમાસિકમાં ૮ ટકાના દરે જીડીપીની વૃદ્ધિ, ભારતીય ચલણ રૂપિયામાં ૨૭ દેશો સાથે વેપાર અને ફુગાવાના દરમાં વધારો થતો અટકાવવા માટેના પ્રબંધન વગેરે. ફ્રેજાઇલ ફાઇવના બીજા ચાર દેશોમાં બ્રાઝિલ, ઇન્ડોનેશિયા, સાઉથ આફ્રિકા અને ટર્કીનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડના લેટેસ્ટ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ૨૦૨૪માં સૌથી ઝડપથી વધનારી અર્થવ્યવસ્થામાં ભારતનો સમાવેશ છે. તેણે ભારતના વિકાસનો દર ૬.૫થી વધારીને ૬.૮ ટકા કરી દીધો છે.