રાષ્ટ્રપતિના આર્થિક સલાહકારનું રાજીનામું, ૧૦૦ રૂપિયાની નોટ પર વિવાદાસ્પદ નકશો છાપવો ખોટું

નવીદિલ્હી, દેશના પૂર્વ સેન્ટ્રલ બેંક ગવર્નર ચિરંજીવી નેપાળે નોટો પર નવો નકશો છાપવાના સરકારના નિર્ણયને ’અયોગ્ય પગલું’ ગણાવ્યું હતું. ગયા અઠવાડિયે કેબિનેટની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે ૧૦૦ રૂપિયાની નવી નોટ છાપતી વખતે જૂના નકશાને બદલીને નવો નકશો બનાવવામાં આવશે. નવા નકશામાં કાલાપાની, લિપુલેખ અને લિમ્પિયાધુરા જેવા વિસ્તારો સામેલ છે. ભારતનું કહેવું છે કે લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરા તેના ક્ષેત્રમાં આવે છે.

સીપીએન-યુએમએલના પ્રમુખ અને પૂર્વ વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ ચિરંજીવી નેપાળની તેમની ટિપ્પણી માટે જાહેરમાં ટીકા કરી હતી. નામ જાહેર ન કરવાની શરતે, રાષ્ટ્રપતિની નજીકની વ્યક્તિએ કહ્યું છે કે ચિરંજીવી નેપાળે તેમના રાજીનામા પત્રમાં લખ્યું છે કે, મેં લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે આ ગંભીર મુદ્દો ઉઠાવ્યો છે કારણ કે તેનાથી લોકોને વ્યવહારિક સમસ્યાઓ થઈ શકે છે.

ચિરંજીવી નેપાળે કહ્યું, માનનીય રાષ્ટ્રપતિની ગરિમા જાળવવા માટે મેં પદ પરથી રાજીનામું આપ્યું છે, કારણ કે મારા નિવેદનને ટાંકીને રાષ્ટ્રપતિને બિનજરૂરી રીતે વિવાદમાં ખેંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

અગાઉ, નાગરિક સમાજના નેતાઓના જૂથે સંશોધિત બંધારણ મુજબ નેપાળના નકશા સાથે રૂ. ૧૦૦ની નવી નોટો છાપવાના સરકારના નિર્ણય વિરુદ્ધ તેમની ટિપ્પણીઓ બદલ ચિરંજીવી નેપાળને હટાવવાની માંગ કરી હતી.

તેમણે આ મુદ્દે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મીડિયા સાથે વાત કરી અને દલીલ કરી કે તેઓ રાષ્ટ્રીય હિતની વિરુદ્ધ ગયા છે અને મર્યાદાનું ઉલ્લંઘન કર્યું છે. નેપાળ સરકારે ઓલીની આગેવાની હેઠળની સરકાર દરમિયાન મે ૨૦૨૦ માં લિપુલેખ, કાલાપાની અને લિમ્પિયાધુરા વિસ્તારોને તેના ક્ષેત્રમાં સમાવીને તેના નવા રાજકીય નકશાનું અનાવરણ કર્યું હતું. બાદમાં સંસદે સર્વાનુમતે સમર્થન આપ્યું હતું. જે બાદ ભારતનો વાંધો હોવા છતાં સરકારે તમામ સત્તાવાર દસ્તાવેજોમાં ઉપયોગમાં લેવાતા જૂના નકશાને નવા નકશા સાથે બદલી નાખ્યો છે. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે ગયા અઠવાડિયે નવી નોટો જારી કરવાના નેપાળ સરકારના નિર્ણય પર અસંતોષ વ્યક્ત કર્યો હતો. જયશંકરે કહ્યું કે આનાથી જમીનની સ્થિતિ બદલાવાની નથી. નેપાળ પાંચ ભારતીય રાજ્યો – સિક્કિમ, પશ્ર્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સાથે ૧,૮૫૦ કિલોમીટરથી વધુની સરહદ ધરાવે છે.