ગોધરા બામરોલી રોડ પર મોર્નિંગ વોક પર નીકળેલ વૃદ્ધની સોનાની વિંટી પડાવી ગઠિયા રફુચકકર

ગોધરા શહેરના બામરોલી રોડ પર મોર્નિંગ વોક પર નીકળેલ વૃદ્ધને કારમાં સવાર સાધુના વેશમાં સજજ શખ્સ સહિત બે ગઠિયાઓએ દાહોદ જવાનો માર્ગ પુછ્યા બાદ આર્શિવાદ આપવાનુ જણાવી તેમની સોનાની વિંટી પડાવી લઈ ફરાર થઈ ગયા હતા.

ગોધરા શહેરના ગંગોત્રીનગર સોસાયટીમાં રહેતા મુકુંદલાલ હિરાલાલ શાહે ગોધરા એ-ડીવીઝન પોલીસ મથકે આપેલી ફરિયાદમાં જણાવ્યુ હતુ કે,તા.11મીએ સવારે તેઓ નિત્યક્રમ મુજબ બામરોલી રોડ પર મોર્નિંગ વોક પર નીકળ્યા હતા તે સમયે દાહોદ રોડ પર આવેલા બી.વી.ગાંધી પેટ્રોલપંપ પાસે પહોંચ્યા હતા ત્યારે એક કાર આવીને તેમની પાસે ઉભી રહી હતી. કારમાં સવાર યુવાન અને તેની બાજુમાં સાધુના વેશમાં એક શખ્સ બેઠો હતો. બંનેએ તેમને દાહોદ જવાનો માર્ગ પુછતા તેમણે બતાવ્યો હતો. બાદમાં કારમાં સવાર સાધુએ તેમની પાસે એક રૂપિયાનો સિકકો માંગ્યો હતો જેથી તેમણે 10 રૂપિયાની નોટ આપી હતી. જે બાદ સાધુએ આર્શિવાદ આપવાનુ જણાવીને 10 રૂપિયાની નોટ પરત કરી હતી. જે બાદ તેમણે સાધુ સમક્ષ બે હાથ જોડતા તેની નજર તેમને પહેરેલ સોનાની વિંટી પર પડી હતી. જેથી તેમણે વિશ્ર્વાસમાં લઈને વિંટી આપવા જણાવી પરત આપી દેવા પણ જણાવ્યુ હતુ. જેથી તેમણે વિંટી કાઢીને આપતા વિંટી લઈને બંને ફરાર થઈ ગયા હતા. પોલીસે તેમની ફરિયાદના આધારે બંને ગઠિયાઓ સામે ગુનો નોંધી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.