- જે દરમિયાન તેમની સાથે રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે
નવીદિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ૧૪ મે મંગળવારના રોજ વારાણસીથી ઉમેદવારી નોંધાવશે. આ અંગે તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. પીએમ મોદીનું નોમિનેશન ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યું છે. તેનું સૌથી મોટું કારણ માતા ગંગા પોતે છે. આપને જણાવી દઈએ કે વારાણસીથી સાંસદ બન્યા બાદથી પીએમ મોદી ગંગા નદીને માતા કહીને બોલાવે છે.પીએમ મોદીએ નામાંકન માટે ૧૪ મેની તારીખ પસંદ કરી છે. આ એક સામાન્ય વાત લાગે છે, પરંતુ જો તમે આ તારીખને નજીકથી જોશો, તો તમને ખબર પડશે કે આ વર્ષે ૧૪ મી મે ગંગા સપ્તમીનો મહાન તહેવાર છે. ગંગા સપ્તમીને લઈને એક પૌરાણિક માન્યતા છે કે આ દિવસે ગંગા નદી પૃથ્વી પર ઉતરી હતી.
પીએમઓ સાથે જોડાયેલા સૂત્રોના જણાવ્યા અનુસાર, પીએમ મોદી ૧૪ મેના રોજ સવારે લગભગ ૧૧.૪૦ વાગ્યે પોતાનું નામાંકન દાખલ કરશે. જો આપણે ગંગા સપ્તમીના દિવસે શુભ સમયની વાત કરીએ તો વૈશાખ માસના શુક્લ પક્ષની સપ્તમી ૧૩ મે ૨૦૨૪ના રોજ સાંજે ૫.૨૦ કલાકે શરૂ થશે અને ૧૪ મેના રોજ સાંજે ૬.૪૯ કલાક સુધી ચાલુ રહેશે. પ્રાપ્ત માહિતી અનુસાર,વડાપ્રધાન મોદીના નામાંકન સમયે ૧૮ થી વધુ કેબિનેટ મંત્રીઓ સહિત ૩૬ વીઆઇપી હાજર રહી શકે છે. આ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સહિત ૧૨ રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ હાજર રહેશે. પીએમ મોદીના નામાંકનને ભવ્ય અને ઐતિહાસિક બનાવવા માટે ભાજપે તમામ તાકાત લગાવી દીધી છે. ભાજપે પોતાના તમામ મોટા નેતાઓની હાજરીમાં શક્તિ પ્રદર્શન સાથે પીએમ મોદીના નામાંકનને પૂર્ણ કરવા માટે ખાસ તૈયારીઓ કરી છે. મોદી મંગળવારે તેમના નામાંકન પહેલા અસ્સી ઘાટ પર સ્નાન કરશે અને ધ્યાન કરશે. આ પછી તે કાલ ભૈરવ મંદિરમાં જશે અને દર્શન કરશે. મંદિરના દર્શન કર્યા બાદ તેઓ એનડીએ નેતાઓ સાથે બેઠક પણ કરશે.પીએમ મોદીએ ૨૦૧૪ અને ૨૦૧૯માં નામાંકન કરતા પહેલા બાબા કાલભૈરવના દર્શન કર્યા હતા. આ મંદિરના મહંતનું કહેવું છે કે બાબા કાલભૈરવની પરવાનગી વિના વારાણસીમાં કોઈ રહી શકે નહીં. આ વખતે બાબાનો જન્મ દિવસ મંગળવારે આવી રહ્યો છે. આ દિવસે દર્શન કરવાથી વિશેષ ફળ મળે છે.