દે.બારીઆના ભથવાડા ટોલનાકા મુકાયેલ વોટર એ.ટી.એમ.બંધ રહેતા મુસાફર વાહનચાલકો પરેશાન

દે.બારીઆ,દે.બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા ઉપર મુકવામાં આવેલ પાણીના એટીએમ મશીન બંધ હોવાથી મુસાફર જનતાને હાલાકી થઈ રહી છે. ધુળ ખાતા પડેલા વોટર વેન્ડિંગ મશીન સત્વરે રિપેરીંગ કરાય તેવી માંગ ઉઠવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર દે.બારીઆ તાલુકાના ભથવાડા ગામમાંથી પસાર થતાં નેશનલ હાઈવે રોડ ઉપર ટોલ પ્લાઝા બનાવેલ છે. આ ટોલ પ્લાઝા પર દિવસ-રાત સતત વાહનોની અવર જવર રહેતી હોય છે. અમદાવાદ-ઈન્દોૈર નેશનલ હાઈવે ઉપર ખાનગી કંપની દ્વારા બનાવવામાં આવેલ આ ટોલનાકા ઉપર પસાર થતાં વાહનો પાસેથી દરરોજ લાખો રૂપિયા ટોલની ફીની ઉઘરાણી થતી હોય છે. જે ટોલ ફી વસુલ કરવામાં આવે છે તે મુજબની સુવિધા ગ્રાહકોને મતલબ કે વાહનચાલકોને મળતી નથી. ટોલનાકા નજીકમાં પીવાનુ પાણી મળી રહે તે માટે પાણીના એટીએમ મશીન મુકવામાં આવેલ છે. જે મશીનમાં માત્ર પાંચ રૂપિયાનો સિકકો નાંખવાથી પીવાનુ શુદ્ધ પાણી એક લીટર ગ્રાહકોને મળી શકે તેવી વ્યવસ્થા આ એટીએમ મશીનમાં કરેલ છે. છેલ્લા એક વર્ષથી મશીન બંધ હાલતમાં ધુળ ખાઈ પડી રહ્યુ છે. અને મશીનનુ કોઈ સમારકામ પણ થતુ નથી. ટોલનાકા નજીક ગોઠવવામાં આવેલ એટીએમ મશીન પાસે કેટલાય વાહનચાલકો પાણીની બોટલો લઈને પાણી ભરવા જતા મશીન બંધ હોવાથી વીલા મોંઢે પાછા ફરતા હોય છે.