દાહોદ ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોના ભંગ કરતાં વાહન ચાલકો પાસેથી સ્થળ ઉપર દંડ વસુલ્યો

દાહોદ, દાહોદ ટાઉન બી ડિવિઝન પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવી હતી જેમાં હેલ્મેટ વગર, લાયસન્સ વગર, ત્રીપલ સવારી સહિત ટ્રાફિકના નિયમોનું ભંગ કરતાં વાહન ચાલકોને સ્થળ પર દંડ ફટકારી કાર્યવાહી કરવામાં આવી હતી.

દાહોદ જીલ્લામાં છેલ્લા ઘણા સમયથી માર્ગ અકસ્માતના બનાવોમાં ઘરખમ વધારો જોવા મળી રહ્યો છે. વાહન ચાલકો દ્વારા બેફીકરાઈ તેમજ ગફલત ભરી રીતે વાહન હંકારી માર્ગ અકસ્માત સર્જતા નિર્દોષ રાહદારીઓ તેમજ વાહન ચાલકો પોતાનો જીવ ગુમાવી રહ્યાં છે. ત્યારે આવા સમયે સફાળે જાગેલ પોલીસ તંત્ર દ્વારા દાહોદ શહેરમાં આજરોજ ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રાફિકના નિયમોને નેવે મૂકીને વાહન હંકારતા વાહન ચાલકોમાં જાગૃતિ આવે અને ટ્રાફિકના નિયમો, કાયદાનું વાહન ચાલકો પાલન કરે તે માટે દાહોદ ટાઉન બી ડિવિઝન પોલીસની ટીમ દ્વારા દાહોદ શહેરના બસ સ્ટેન્ડ વિસ્તારમાં ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી રહી છે. ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન, વાહન રોંગ સાઈડ હંકારતા વાહન ચાલકો, લાઇસન્સ, આરસી બુક વગરના વાહન ચાલકો, તેમજ ત્રીપલ સવારી, મોબાઈલ ઉપર વાત કરતા જઈને વાહન હંકારતા વાહન ચાલકો તેમજ નંબર પ્લેટ વગરના વાહનોને પકડી પાડી તેમની પાસેથી સ્થળ ઉપરજ દંડ વસૂલ કરવામાં આવ્યો હતો.