કાનપુર, લોક્સભા ચૂંટણીમાં અત્યાર સુધીમાં ત્રણ તબક્કામાં કુલ ૨૮૩ બેકો પર મતદાન થયું છે અને હજુ ચાર તબક્કા બાકી છે. ચોથા તબક્કામાં ૧૦ રાજ્યોની ૯૬ બેઠકો માટે ૧૩મી મેએ મતદાન થવાનું છે. તમામ પક્ષોના સ્ટાર પ્રચારકો, દિગ્ગજ નેતાઓ અને ઉમેદવારો ધમધોકાટ ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે, ત્યારે બહુજન સમાજવાદી પાર્ટીના વડા માયાવતીએ આજે કાનપુરમાં જાહેરસબા સંબોધી હતી. આ દરમિયાન તેમણે ઈવીએમનો મુદ્દો ઉછાળી ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. માતાવતીએ રમઈપુરના મગરાસા ગામમાં ચૂંટણી સભામાં કહ્યું કે, જો આ વખતે ઈવીએમમાં ગડબડ ન થઈ તો પરિણામો નિશ્ચિતરૂપે સારા આવશે. તેમણે કાનપુરના ઉમેદવાર કુલદીપ ભદૌરિયા અને અકબરપુરના ઉમેદવાર રાજેશ દ્વિવેદીના સમર્થનમાં જનસભા સંબોધી હતી.
બસપા સુપ્રીમો માયાવતીએ ભાજપ અને કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, ‘આ બંને પાર્ટીઓ ધનવાનો પાસેથી ફંડ લઈને ચાલનારી સરકાર છે, જ્યારે બસપા ક્યારે આવું કરતી નથી. બસપા કાર્યર્ક્તાઓના સહયોગથી અને જન્મ દિવસે જે થોડું થોડું ફંડ એકત્ર થાય છે, તે નાણાં પાર્ટીમાં ખર્ચ કરવામાં આવે છે. જ્યારે ભાજપ અને કોંગ્રેસ ધનવાનોના નાણાંથી ચૂંટણી લડે છે.’
માયાવતીએ વધુમાં કહ્યું કે, ‘કોંગ્રેસ અગાઉ સત્તામાં હતી, ત્યારે તે ઈડી સહિત સરકારી તંત્રનો દુરુપયોગ કરતી હતી, હવે ભાજપની સ્થિતિ પણ આવી જ છે. ભાજપ ઈડીનો ખોટો ઉપયોગ કરીને દબાણ ઉભી કરી રહી છે. બસપાએ તમામ સમાજની યોગ્ય ભાગીદારી ધ્યાને રાખી ટિકિટોની વહેંચણી સુનિશ્ચિત કરી છે.’
ઉલ્લેખનીય છે કે, લોક્સભા ચૂંટણીના ચોથા તબક્કામાં ૧૦ રાજ્યોની ૯૬ બેઠકો પર ૧૩મી મેએ મતદાન થવાનું છે. આ ૧૦ રાજ્યોમાં આંધ્રપ્રદેશ, બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, તેલંગણા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીરનો સમાવેશ થાય છે. પહેલા તબક્કામાં કુલ ૫૯.૭૧ ટકા, બીજા તબક્કામાં ૬૦.૯૬ ટકા અને ત્રીજા તબક્કામાં ૬૧.૪૫ ટકા મતદાન થયું હતું. ચોથા તબક્કા બાદ પાંચમાં તબક્કામાં ૪૯ બેઠકો પર ૨૦મી મેએ, છઠ્ઠા તબક્કામાં ૫૭ બેઠકો પર ૨૫મી મેએ જ્યારે સાતમાં અને અંતિમ તબક્કામાં ૫૭ બેઠકો પર પહેલી જૂને મતદાન યોજાશે.