પ્રયાગરાજ,ઉત્તર પ્રદેશમાં રેલ્વે પ્રોટેક્શન ફોર્સ ના ઓપરેશન ’આહત’ હેઠળ, પ્રયાગરાજ જંક્શન પર ટ્રેન નંબર ૧૨૪૮૭ માંથી ૯૩ સગીર બાળકોને ઉતારવામાં આવ્યા હતા અને આ બાળકોને લઈ જઈ રહેલા નવ લોકોની અટકાયત કરવામાં આવી હતી. રેલવે પોલીસના એક અધિકારીએ આ જાણકારી આપી. પ્રયાગરાજ જંકશન પર તૈનાત રેલ્વે પોલીસ ફોર્સ ઇન્સ્પેક્ટર શિવ કુમારે જણાવ્યું કે ટ્રેનમાંથી ઉતાર્યા બાદ આ બાળકોને બાળ કલ્યાણ સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું નિરીક્ષણ અને કાઉન્સેલિંગ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે આ બાળકોને લઈ જનારા લોકો પાસે આ બાળકોને લેવા માટેનું કોઈ માન્ય પ્રમાણપત્ર નહોતું અને ન તો તેમના માતા-પિતા કે પરિવારના કોઈ સભ્ય તેમની સાથે હતા.
અધિકારીએ જણાવ્યું કે આ બાળકો બિહારના અરરિયાના રહેવાસી છે અને આમાંથી કેટલાક બાળકોને દિલ્હી, કેટલાકને રાજસ્થાનના નાગૌર જિલ્લામાં અને કેટલાકને દેહરાદૂન લઈ જવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે આ તમામ બાળકો મુસ્લિમ સમુદાયના છે અને તેમની ઉંમર નવ વર્ષથી લઈને ૧૨-૧૩ વર્ષની વચ્ચે છે. બાળ કલ્યાણ સમિતિના અયક્ષ અખિલેશ મિશ્રાએ કહ્યું કે આ બાળકોને ખોટી રીતે લેવામાં આવી રહ્યા છે. જોકે, કાઉન્સેલિંગ રિપોર્ટ આવવાનો બાકી છે. તેમણે કહ્યું કે પ્રાથમિક તપાસ દરમિયાન આ બાળકોને વિવિધ મદરેસામાં લઈ જવામાં આવતા હોવાનું બહાર આવ્યું છે. મિશ્રાએ કહ્યું કે આ બાળકોને લઈ જનારા લોકો સામે એફઆઈઆર દાખલ કરવાની ભલામણ કરવામાં આવી છે.
ગત વર્ષે જૂન મહિનામાં અરરિયાના ૫૯ બાળકોને મુક્ત કરવામાં આવ્યા હતા. આ બાળકોને મહારાષ્ટ્રના મનમાડ રેલવે સ્ટેશન પર મુક્ત કરવામાં આવ્યા હતા અને આ કેસમાં ચાર મૌલાનાઓની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં તેને જામીન મળી ગયા હતા. હવે ફરી આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.