ગાઝિયાબાદ, ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં એક યુવકે તેની માતા અને નાના ભાઈની હત્યા કરી નાખી. આરોપીએ માતા પાસેથી ૨૦ હજાર રૂપિયા માંગ્યા હતા, જે માતાએ આપવાનો ઈક્ધાર કરી દીધો હતો, ત્યારબાદ ગુસ્સે ભરાયેલા પુત્રએ માતાની હત્યા કરવાનું વિચાર્યું હતું. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટના લોનીના ગુલાબ વાટિકા કોલોનીમાં બની હતી, યશોદા દેવી (ઉંમર ૬૫ વર્ષ) તેમના બે પુત્રો સાથે અહીં રહેતી હતી. યશોદા દેવીનો નાનો પુત્ર વિકલાંગ હતો. મળતી માહિતી મુજબ, મોટા પુત્રનું નામ ધર્મેન્દ્ર છે જ્યારે નાના પુત્રનું નામ બિજેન્દ્ર હતું. ઘરમાં સૂતા હતા ત્યારે માતા યશોદા દેવી અને નાના પુત્ર બિજેન્દ્રની હત્યા કરવામાં આવી હતી. માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.
આ દરમિયાન ધર્મેન્દ્રએ પોલીસને જણાવ્યું કે આ લૂંટ માટે હત્યાનો કેસ છે. આ પછી માહિતી મળતાની સાથે જ પોલીસ ટીમે તપાસ શરૂ કરી પરંતુ સાંજ સુધીમાં સમગ્ર સત્ય પોલીસની સામે આવી ગયું. પોલીસે ધર્મેન્દ્રની કડક પૂછપરછ કરતાં તેણે પોતાના તમામ ગુના કબૂલ કર્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, ધર્મેન્દ્રએ તેની માતા પાસેથી ૨૦ હજાર રૂપિયા માંગ્યા હતા. ધર્મેન્દ્ર પર પહેલાથી જ ૧ લાખ રૂપિયાની લોન હતી, દેવાદારો તેને પૈસા આપવા માટે જીદ કરી રહ્યા હતા, પરંતુ જ્યારે તેને તેની માતા પાસેથી પૈસા ન મળ્યા તો ગુસ્સે ભરાયેલા ધર્મેન્દ્રએ તેની માતાની હત્યા કરવાનું વિચાર્યું.
જ્યારે માતા સૂતી હતી ત્યારે આરોપીઓએ તેને ખાટલાનાં પગથી માર માર્યો હતો. આ દરમિયાન ભાઈ જાગી જતાં આરોપીઓએ તેને પણ માર માર્યો હતો. આરોપી ધર્મેન્દ્રને લાગ્યું કે તેની માતા તેને મિલક્તમાંથી કાઢી મૂકી શકે છે. ગત શનિવારથી તે વિચારી રહ્યો હતો કે કેવી રીતે હત્યા કરીને પોતાને બચાવી શકાય. આ પછી તેણે આ ઘટનાને લૂંટ માટે હત્યાનો મામલો ગણાવવાનું વિચાર્યું અને આવી ઘટનાને અંજામ આપ્યો. પોલીસે હત્યામાં વપરાયેલ ખાટલાનો પગ કબજે કર્યો છે. તેના પર લોહીના નિશાન મળી આવ્યા છે. હાલ પોલીસે આ કેસમાં આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.