એફઆઇઆઇ વેચવાલીના પગલે સેન્સેક્સમાં ૧૦૦૦ પોઈન્ટનો કડાકો, નિફટીએ ૨૨ હજારનું લેવલ ગુમાવ્યું

  • માર્કેટના કડાકા વચ્ચે રોકાણકારોએ આજે એક દિવસમાં જ રૂ. ૭ લાખ કરોડની મૂડી ગુમાવી છે.

મુંબઇ, વિદેશી રોકાણકારોની વેચવાલી તથા ડેરિવેટિવ્ઝ વીકલી એક્સપાયરીના ભાગરૂપે આજે શેરબજારમાં મોટો કડાકો નોંધાયો છે. સેન્સેક્સ ૧૦૬૨.૨૨ પોઈન્ટ તૂટી ૭૨૪૦૪.૧૭ પર બંધ થયો છે. જ્યારે નિફટી એ ૨૨૦૦૦નું લેવલ તોડી ૩૪૫ પોઈન્ટના કડાકા સાથે ૨૧૯૫૭.૫૦ પર બંધ આપ્યું છે. માર્કેટના કડાકા વચ્ચે રોકાણકારોએ આજે એક દિવસમાં જ રૂ. ૭ લાખ કરોડની મૂડી ગુમાવી છે. ગઈકાલે એફઆઈઆઈએ ૬૬૦૦ કરોડથી વધુની વેચવાલી નોંધાવી હતી. માર્કેટ બ્રેડ્થ પણ નેગેટીવ થઈ છે. બીએસઈ ખાતે ટ્રેડેડ કુલ ૩૯૪૩ શેરોમાંથી ૯૨૯ સ્ક્રિપ્સ સુધરી હતી. જ્યારે ૨૯૦૨ સ્ક્રિપ્સ ઘટાડે બંધ રહી છે. ૧૬૦ શેરો વર્ષની ટોચે અને ૪૫ શેરો વર્ષના તળિયે પહોંચ્યા હતા. વધુમાં ૩૭૨ સ્ક્રિપ્સમાં લોઅર સર્કિટ અને ૨૨૧ શેરોમાં અપર સર્કિટ વાગી હતી.ગુરુવારે શેરબજારમાં આવેલા ઘટાડા માટે સૌથી વધુ જવાબદાર બે શેરબજારના હેવીવેઇટ એચડીએફસી બેંક અને એલએન્ડટી હતા. ચોથા ક્વાર્ટરમાં અસંતોષકારક પરિણામોને કારણે ગુરુવારે એલએન્ડટીના શેરમાં ૬%નો ઘટાડો થયો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને આઈટીસીના શેરમાં વેચવાલીનું દબાણ વધવાને કારણે પણ બજાર નબળું પડ્યું હતું.

શેરબજારમાં ઘટાડા પાછળના કારણો જોઇએ તો સેન્સેક્સ પેકમાં સામેલ ૩૦ પૈકી માંડ પાંચ સ્ક્રિપ્સ ટાટા મોટર્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એસબીઆઈ, ઈન્ફોસિસ, અને એચસીએલ ટેક્. ૧.૮૬ ટકા સુધી સુધર્યા હતા. આ સિવાય તમામ ૨૫ શેરો ૬ ટકા સુધી ઘટ્યા છે. લાર્સન એન્ડ ટૂબો ૫.૫૬ ટકા, એશિયન પેઈન્ટ ૪.૫૧ ટકા, જેએસડબ્લ્યૂ સ્ટીલ ૩.૪૬ ટકા ઘટાડે બંધ રહ્યો છે.

છેલ્લા થોડા સમયથી તેજી નોંધાવી રહેલા ઓઈલ એન્ડ ગેસ, મેટલ, કેપિટલ ગુડ્સ, એનર્જી સહિતના સેગમેન્ટમાં આજે મોટાપાયે પ્રોફિટ બુકિંગ જોવા મળતાં ઈન્ડેક્સ ૩ ટકાથી વધુ તૂટ્યા છે. એફએમસીજી ઈન્ડેક્સ ૨.૫૦ ટકા ઘટ્યો છે. આ સિવાય મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં મોટો કડાકો નોંધાતા મીડકેપ ઈન્ડેક્સ ૮૩૫ પોઈન્ટ (૨.૦૧ ટકા) અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧૧૧૦.૮૪ પોઈન્ટ (૨.૪૧ ટકા) તૂટ્યો છે.

બજારના નિષ્ણાતોનું કહેવું છે કે બજારમાં ઘટાડા પાછળ ઘણા કારણો છે. તેનું સૌથી મોટું કારણ સામાન્ય ચૂંટણી છે. સામાન્ય ચૂંટણીને લઈને બજાર નર્વસ નાઈન્ટી નાઈનનો શિકાર છે. આ સિવાય વિદેશી રોકાણકારો દ્વારા ભારે વેચવાલી જોવા મળી રહી છે. બજારના નિષ્ણાતો કહે છે કે શેરબજારે અગાઉ ધાર્યું હતું કે આ વખતે પણ ભાજપ-એનડીએ ગઠબંધન લોક્સભાની ચૂંટણી જીતશે. જો કે, ઓછા મતદાને ભાજપની બમ્પર જીત પર શંકા વ્યક્ત કરી છે. આ કારણ બજારના સેન્ટિમેન્ટને અસર કરી રહ્યું છે. આ કારણે પ્રોફિટ બુકિંગ થઈ રહ્યું છે, જેના કારણે માર્કેટ નીચે જઈ રહ્યું છે. ૨૦૨૪ ના ચોથા ક્વાર્ટરના પરિણામો અપેક્ષા મુજબ નથી. ઘણી કંપનીઓએ નબળા પરિણામો રજૂ કર્યા છે. એક તરફ તે શેરોમાં વેચવાલી જોવા મળી રહી છે. બીજી તરફ ખરીદીને પણ પ્રોત્સાહન આપવામાં આવ્યું નથી.

યુએસ ફેડરલ રિઝર્વના અધિકારીઓના તાજેતરના આક્રમક રેટરિકથી ભારતીય ઇક્વિટી પર દબાણ વધ્યું છે. આ અઠવાડિયે, મિનેપોલિસ ફેડરલ રિઝર્વના ચેરમેન નીલ કશ્કરીએ જણાવ્યું હતું કે સ્થિર ફુગાવો અને હાઉસિંગ માર્કેટને ટાંકીને તેઓ આ વર્ષે વ્યાજદર છોડશે તેવી અપેક્ષા નથી. વિદેશી રોકાણકારો આમાંથી પૈસા ઉપાડી રહ્યા છે.

તેલના ભાવમાં વધારો થયો છે. બ્રેન્ટ ક્રૂડ પ્રતિ બેરલ ૮૪ ડોલરની નજીક પહોંચી ગયું છે. દરમિયાન, વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ ૭૯ થી ઉપર વધી ગયો છે. તેની અસર ભારતીય બજાર પર પણ જોવા મળી રહી છે.

સાપ્તાહિક એક્સપાયરીનાં કારણે આજે માર્કેટમાં વોલેટિલિટી પણ વધી હતી. આનાથી પણ વેચાણને વેગ મળ્યો. શેરબજારના ડેટા અનુસાર, વિદેશી સંસ્થાકીય રોકાણકારો બુધવારે મૂડીબજારમાં વેચાણર્ક્તા હતા અને તેમણે રૂ. ૬,૬૬૯.૧૦ કરોડના શેરનું વેચાણ કર્યું હતું. બજારના નિષ્ણાતોનું કહેવું છે કે બજારમાં ઘટાડા પાછળ ઘણા કારણો છે. તેનું સૌથી મોટું કારણ સામાન્ય ચૂંટણી છે. સામાન્ય ચૂંટણીને લઈને બજાર નર્વસ નાઈન્ટી નાઈનનો શિકાર છે. આ સિવાય વિદેશી રોકાણકારો દ્વારા ભારે વેચવાલી જોવા મળી રહી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ટાટા કન્સલ્ટન્સી સવસિસ, એચડીએફસી બેન્ક જેવા હેવીવેઇટ શેરોમાં ઘટાડો છે. આ સિવાય ક્રૂડ ઓઈલના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ઘણી કંપનીઓના પરિણામ ખરાબ આવ્યા છે. આ તમામ કારણોએ બજારનો મૂડ બગાડ્યો છે જેના કારણે વેચાણ પ્રબળ છે.મે મહિનામાં શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. બોમ્બે સ્ટોક એક્સચેન્જના મુખ્ય સૂચકાંક સેન્સેક્સમાં ૨ મેથી લગભગ ૨૦૦૦ પોઈન્ટ્સનો ઘટાડો થયો છે.ગુરુવારના ઘટાડાને કારણે રોકાણકારોને રૂ.૭ લાખ કરોડથી વધુનું નુક્સાન થયું છે.