સ્પેસ સાયન્સમાં ક્રાંતિ, પહેલીવાર આ પ્રકારના ઈંધણથી ઉડાડ્યું રોકેટ, જર્મન એજન્સીને મળી સફળતા

કૂનીબ્બા,એક જર્મન કંપનીએ પ્રથમવાર મીણબત્તીમાં ઉપયોગમાં લેવાતા મીણની ઉર્જા વડે રોકેટ અંતરિક્ષમાં મોકલવામાં સફળતા મેળવી છે. આ સફળતા નાના કારોબારીઓ માટે ઓછા ખર્ચે અંતરિક્ષમાં ઉપગ્રહ મોકલવાની દિશામાં મહત્વનું છે. આ રોકેટ ૭ મે ના રોજ સવારે ૫ વાગે દક્ષિણ ઓસ્ટ્રેલિયામાં કૂનીબ્બા ખાતેની લોંચ સાઇટ પરથી પરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેનું નામ એઆર ૭૫ રાખવામાં આવ્યું છે.પરીક્ષણમાં ઉપયોગમાં લેવાયેલું રોકેટ ૧૨ મીટર લંબાઇ ધરાવે છે. આ રોકેટની મદદથી ૨૫૦ કિલો વજન ૨૫૦ કિમી દૂર અવકાશમાં લઇ જઇ શકાય છે.

દરિયાની સપાટીથી ૧૦૦ કિમી ઉંચાઇ પર અંતરિક્ષની સીમા શરુ થાય છે. આ રોકેટ ઉર્જા માટે પેરાફીન એટલે કે મીણબત્તી અને તરલ ઓક્સિજનનો પ્રથમવાર ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઇંધણ રોકેટમાં વાપરવા માટે માઇનસ ૪૩૨ ડિગ્રી સેલ્સિયસ સુધી ઠંડુ રાખી શકાય છે. રોકેટ તૈયાર કરવાના જર્મન અંતરિક્ષ એજન્સી ડીએલઆરના સ્ટાર્ટઅપમાં ૬૫ લોકો કામ કરી રહયા છે.

અગાઉ અંતરિક્ષ એજન્સીને ઉપગ્રહો અંતરિક્ષમાં મોકલવાના અંદાજે ૧૦ કરોડ યુરોના ઓર્ડર મળી ચુકયા છે. ઉપગ્રહ મોકલવા માટે રોકેટમાં હાઇડ્રોજનના સ્થાને પેરાફીનનો ઉપયોગ કરવાનો એક માત્ર હેતું ઇંધણ ખર્ચ બચાવવાનો છે. પેરાફીન ઇંધણથી આવનારા સમયમાં ઇંધણ ખર્ચમાં ૫૦ ટકા જેટલો ઘટાડો થશે. વર્તમાન સમયમાં ભારતની ઇસરો અને ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સ કિફાયતી કિંમતે સેવા આપી રહી છે.

અમેરિકા,રશિયા,યુરોપ અને ચીન પર ઉપગ્રહ લોન્ચિંગ બજારમાં નામ ધરાવે છે. જર્મન વેબસાઇટ ડીડબ્લ્યુના જણાવ્યા અનુસાર મોટા ભાગના પ્રોજેકટ ખાનગી નાણાથી શરુ કરવામાં આવ્યા છે. સાર્વજનિક નાણા અલ્પ પ્રમાણમાં જ મળ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોથી વ્યવસાયિક ધોરણે ઉપગ્રહોની માંગ વધતી જાય છે. વર્ષ ૨૦૦૦ થી ૨૦૧૦ દરમિયાન ૭૦ થી ૧૧૦ ઉપગ્રહ અંતરિક્ષમાં મોકલાયા હતા જેની સંખ્યા ૨૦૧૧ થી ૨૦૧૯ સુધીમાં વધીને ૫૮૬ જેટલી થઇ હતી. ૨૦૨૦ થી અત્યાર સુધીમાં દર વર્ષે ૧ હજારથી વધુ ઉપગ્રહ અંતરિક્ષમાં મોકલવામાં આવી રહયા છે.