
હૈદરાબાદ, સનરાઇઝર્સ હૈદરાબાદે બુધવારે લખનૌ સુપરજાયન્ટ્સ સામે ઐતિહાસિક જીત નોંધાવી હતી. ટ્રેવિસ હેડ અને અભિષેક શર્માના તોફાનમાં લખનૌનો કોઈ બોલર પોતાની વિશ્ર્વસનીયતા બચાવી શક્યો નહોતો. બંને બેટ્સમેનોએ વિસ્ફોટક પ્રદર્શન કરીને ટીમને ૧૦ વિકેટે જીત અપાવી હતી. આ જીત સાથે હૈદરાબાદ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને પહોંચી ગયું છે. મેચ બાદ લખનૌના માલિક સંજીવ ગોએક્ધાએ કેપ્ટન કેએલ રાહુલને ફટકાર લગાવી હતી. તેણે ટીમના પ્રદર્શન પર નારાજગી વ્યક્ત કરી હતી, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
સનરાઇઝર્સ હૈદરાબાદે લખનૌ સુપર જાયન્ટ્સને ૧૦ વિકેટે હરાવ્યું. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને લખનૌએ ૨૦ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને ૧૬૫ રન બનાવ્યા હતા. હૈદરાબાદની ટીમે ૧૬૬ રનનો ટાર્ગેટ ૧૦ ઓવરમાં એટલે કે ૯.૪ ઓવરમાં હાંસલ કર્યો હતો. હૈદરાબાદે ૬૨ બોલ બાકી રહેતા મેચ જીતી લીધી હતી. ટ્રેવિસ હેડે ૩૦ બોલમાં આઠ ચોગ્ગા અને આઠ છગ્ગાની મદદથી ૮૯ રન અને અભિષેક શર્માએ ૨૮ બોલમાં આઠ ચોગ્ગા અને છ છગ્ગાની મદદથી ૭૫ રનની અણનમ ઈનિંગ રમી હતી. અભિષેકે મેચનો અંત સિક્સર સાથે કર્યો હતો.
લખનૌ સુપર જાયન્ટ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને ૧૬૬ રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને લખનૌએ ૨૦ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને ૧૬૫ રન બનાવ્યા હતા. એક સમયે લખનૌએ ૧૨મી ઓવરમાં ૬૬ રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી હતી. આ પછી આયુષ બદોની અને નિકોલસ પુરને ૫૨ બોલમાં ૯૯ રનની અણનમ ભાગીદારી કરી હતી. બદોનીએ ૩૦ બોલમાં નવ ચોગ્ગાની મદદથી અણનમ ૫૫ રન બનાવ્યા હતા. તે જ સમયે, પુરને ૨૬ બોલમાં છ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૪૮ રનની અણનમ ઈનિંગ રમી હતી.
કેએલ રાહુલ ૩૩ બોલમાં ૨૯ રન બનાવીને આઉટ થયો હતો, ક્વિન્ટન ડી કોક બે રન બનાવીને આઉટ થયો હતો અને માર્કસ સ્ટોઈનિસ ત્રણ રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે કૃણાલ પંડ્યાએ ૨૧ બોલમાં ૨૪ રન બનાવ્યા હતા. હૈદરાબાદ તરફથી ભુવનેશ્ર્વર કુમારે બે વિકેટ ઝડપી હતી. આ સાથે જ કેપ્ટન પેટ કમિન્સને એક વિકેટ મળી હતી.
આ જીત સાથે હૈદરાબાદની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને આવી ગઈ છે. સાત જીત અને પાંચ હાર સાથે ૧૨ મેચ બાદ તેમના ૧૪ પોઈન્ટ છે. હૈદરાબાદનો નેટ રન રેટ ૦.૪૦૬ છે. તે જ સમયે, ૧૨મી મેચમાં લખનૌની આ છઠ્ઠી હાર હતી. ટીમ ૧૨ પોઈન્ટ અને -૦.૭૬૯ના નેટ રન રેટ સાથે છઠ્ઠા સ્થાને છે. હૈદરાબાદની આગામી મેચ ૧૬ મેના રોજ ગુજરાત ટાઇટન્સ અને ૧૯ મેના રોજ પંજાબ કિંગ્સ સામે છે. હૈદરાબાદની ટીમ આ બંને મેચ તેના હોમ ગ્રાઉન્ડ પર રમશે. તે જ સમયે, લખનૌની ટીમે ૧૪ મેના રોજ અરુણ જેટલી સ્ટેડિયમમાં દિલ્હી અને ૧૭ મેના રોજ વાનખેડેમાં મુંબઈનો સામનો કરવાનો છે.