ટામેટા અને બટાકાના ભાવમાં વધારો થયો, શાકાહારી થાળી એપ્રિલમાં ૮ ટકા મોંઘી થઈ

નવીદિલ્હી, ડુંગળી, ટામેટા અને બટાકાના ભાવમાં વધારાને કારણે શાકાહારી થાળી ૮ ટકા મોંઘી થઈ છે. ક્રિસિલના અહેવાલ મુજબ, આ વર્ષે એપ્રિલમાં શાકાહારી થાળીની કિંમત ૨૭.૪ રૂપિયા હતી, જે એક વર્ષ અગાઉ સમાન સમયગાળામાં ૨૫.૪૦ રૂપિયા હતી. આ વર્ષે માર્ચમાં તે રૂ. ૨૭.૩ હતો.

જાહેર કરાયેલા ક્રિસિલના રિપોર્ટ અનુસાર, એક વર્ષ પહેલાની સરખામણીએ આ વર્ષે એપ્રિલમાં ડુંગળીના ભાવમાં ૪૧ ટકા, ટામેટાંના ભાવમાં ૪૦ ટકા અને બટાકાના ભાવમાં ૩૮ ટકાનો વધારો થયો છે. રવિ પાક નિષ્ફળ જવાને કારણે ડુંગળીની આવક ઘટી હતી, જેના કારણે ભાવમાં વધારો થયો હતો. પશ્ચિમ બંગાળમાં પણ બટાકાના પાકને નુક્સાન થયું છે. શાકભાજીના ભાવમાં ૨૮ ટકાનો વધારો થયો છે.

માંસાહારી થાળી એપ્રિલમાં ૫૮.૯૦ રૂપિયાથી ચાર ટકા સસ્તી થઈ ૫૬.૩ રૂપિયા થઈ ગઈ છે. વાર્ષિક ધોરણે ચિકનના ભાવમાં ૧૨ ટકાનો ઘટાડો થયો છે. જોકે, માર્ચની સરખામણીએ તે ત્રણ ટકા મોંઘું થયું છે. એપ્રિલમાં ચોખા અને કઠોળનો મોંઘવારી દર પણ ૧૦ ટકાથી વધુ વધ્યો છે. છેલ્લા પાંચ મહિનાથી કઠોળ સતત ડબલ ડિજિટથી મોંઘા થઈ રહ્યા છે.