હાલોલ-બોડેલી નેશનલ હાઇવેના હાલોલ બાયપાસ રોડ ઉપર પાવાગઢ તરફથી લાકડાનો સ્ક્રેપ ભરી આવતો આઇસર ટેમ્પો નાળા ઉપરથી કોતરમાં ખાબકતા ડ્રાઈવર અને ક્લીનર ઇજગ્રસ્ત થયા હતા. બંનેને સામાન્ય ઇજાઓ પહોંચતા ખાનગી દવાખાનામાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
હાલોલ-બોડેલી નેશનલ હાઇવે ઉપર હાલોલ જ્યોતિ સર્કલ નજીક આજે સવારે એક આઇસર ટેમ્પો 20 ફૂટ ઊંડા કોતરમાં અધ્ધર લટકી પડ્યો હતો. ટેમ્પો લાકડાની પટ્ટીઓનો સ્ક્રેપ ભરી હાલોલ બાયપાસ રોડ ઉપરથી જ્યોતિ સર્કલ તરફ આવી રહ્યો હતો. વળાંક ઉપર આઇસર ટેમ્પોના ડ્રાઈવરથી ટર્ન ન લેવાતા ટેમ્પો ખાલી સાઇડે કોતર ઉપર બનાવવમાં આવેલી લોખંડની રેલિંગ તોડી નાળાની દીવાલમાં ભટકાયો હતો
અકસ્માત સ્થળે જોતા ટેમ્પો ગતિમાં હોવાનું અનુમાન લગાવી શકાય છે, નાળાની દીવાલમાં ધડાકાભેર ભટકાયેલા ટેમ્પોના આગળના બંને પૈડાં એક્સલ સાથે નાળાની દીવાલ પાસે નીકળી ગયા હતા અને ટેમ્પો ગતિ સાથે હવામાં ઉછળી 20 ફૂટ ઊંડા કોતર ઉપર અધ્ધર લટકી રહ્યો હતો. અકસ્માત સમયે ટેમ્પોમાં બે ડ્રાઈવર અને એક ક્લીનર હોવાનું જાણવા મળ્યું છે. તમામની સામાન્ય ઇજાઓ પહોંચતા ખાનગી દવાખાનામાં સારવાર લીધી હોવાનું જાણવા મળ્યું છે.