ચીનની એક હોસ્પિટલમાં છરી લઈને ધૂસ્યો યુવક, ૧૦ને ઉતર્યા મોતને ઘાટ

દક્ષિણ-પશ્ર્ચિમ ચીનની એક હોસ્પિટલમાં એક વ્યક્તિએ લોકો પર ચાકુ વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં ઓછામાં ઓછા ૧૦ લોકોના મોત થયા છે અને ૨૩ લોકો ઘાયલ થયા છે. હુમલાખોરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઘટના અંગે જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેમાં એક વ્યક્તિ હોસ્પિટલ પરિસરમાં છરી લહેરાવતો જોઈ શકાય છે. ચીનની સત્તાવાર સમાચાર એજન્સી ‘સિન્હુઆ’એ માહિતી આપતા કહ્યું કે આ ઘટના મંગળવારે યુનાન પ્રાંતમાં બની હતી.

ગુઇઝોઉ પ્રાંતીય ટેલિવિઝન દ્વારા એક ઓનલાઈન પોસ્ટ, અનામી અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે હુમલામાં લગભગ ૨૩ લોકો ઘાયલ થયા છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે એક શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે. આ હુમલો ઝાઓટોંગ શહેરમાં ઝેનક્સિઓંગ કાઉન્ટી પીપલ્સ હોસ્પિટલમાં થયો હતો. અધિકારીઓ હુમલા પાછળનું કારણ શું હતું અને હુમલાખોરનો હેતુ શું હતો તેની તપાસ કરી રહ્યા છે. આ ઘટના ચીનના દક્ષિણ-પશ્ર્ચિમ યુનાન પ્રાંતની જેનક્સિઓંગ કાઉન્ટીમાં બની હતી.

ચીનમાં તાજેતરના સમયમાં આવી ઘટનાઓ વધી છે. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં યુનાન પ્રાંતમાં માનસિક રીતે પીડિત વ્યક્તિએ લોકો પર છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં બે લોકોના મોત થયા હતા અને સાત લોકો ઘાયલ થયા હતા. ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં દક્ષિણ ચીનના ગુઆંગડોંગ પ્રાંતમાં એક કિન્ડરગાર્ટનમાં છરાબાજીની ઘટનામાં છ લોકોના મોત થયા હતા અને એક વ્યક્તિ ઘાયલ થયો હતો.