રાજકોટ, રાજ્યમાં લોક્સભાની ૨૫ બેઠકો અને વિધાનસભાની પાંચ બેઠકો માટે મંગળવારે શાંતિપૂર્વક મતદાન યોજાયુ હતુ. જે બાદ આજે રાજકોટના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ મીડિયાને સંબોધન કરીને ફરીથી ક્ષત્રિય સમાજની માફી માંગી છે. પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને વિનંતી કરતા કહ્યુ છે કે, ‘હવે મતવાળો વિષય નથી રહ્યો અને રાજકીય વિષય નથી રહ્યો. ત્યારે હવે હું પરશોત્તમ રૂપાલા, ભારતીય જનતા પાર્ટીનો કાર્યર્ક્તા તરીકે આજે હું નમ્રતાપૂર્વક સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગુ છું. હું ક્ષત્રિય સમાજની માતૃ શક્તિને પણ માફ કરવાની વિનંતી કરું છું.’
પરશોત્તમ રૂપાલાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, ‘મારા નિવેદનોને કારણે વમણો સર્જાયા અને જાહેર જીવનના મારા ૪૦ વર્ષના ગાળાના સૌથી કપરા સમયમાંથી મારે પસાર થવું પડ્યુ. મારે કહેવું છે કે મારે ભૂલ થઇ ગઇ, મારાથી ભૂલ થઇ ગઇ જેનાથી ક્ષત્રિય સમાજને ઉત્તેજીત થવું પડ્યું. જેના કારણે મારી પાર્ટીને પણ સહન કરવું પડ્યુ. જે ઘણું પીડાદાયક રહ્યુ છે.’
રૂપાલાએ વધુમાં જણાવ્યુ કે, મારા વ્યક્તવ્ય મારી પાર્ટી માટે પ્રોત્સાહક રહેતા હતા તેના બદલે હું જ્યારે ઉમેદવાર હોવ ત્યારનું મારું એક નિવેદન મારી પાર્ટીને મુશ્કેલીમાં મુકનાર બન્યુ છે. જેની સઘળી જવાબદારીને હું સ્વીકારું છુ. અમારા પાર્ટીના પ્રદેશ અયક્ષ પાટીલ સાહેબે પણ ક્ષત્રિય સમાજ સામે દિલગીરી વ્યક્ત કરી હતી. તેમણે પણ પ્રયાસો કર્યા હતા. તેનો નિમિત માત્ર હું છું. હું પણ માણસ છું અને માણસ માત્ર ભૂલને પાત્ર, મારાથી પણ ભૂલ થઇ ગઇ છે.
તેમણે વધુમાં જણાવ્યુ કે, ‘તે સમયે પણ ક્ષત્રિય સમાજ પાસે માફી માંગી હતી. હવે મતદાનની પ્રક્રિયા પુરી થઇ છે ત્યારે હવે કોઇ મતવાળો વિષય નથી અને રાજકીય વિષય પણ નથી. હવે હું પરશોત્તમ રૂપાલા, ભારતીય જનતા પાર્ટીનો કાર્યર્ક્તા તરીકે ક્ષત્રિય સમાજની માફી માંગી હતી અને. આજે હું નમ્રતાપૂર્વક સમગ્ર ક્ષત્રિય સમાજની માફી માંગુ છું. હું ક્ષત્રિય સમાજની માતૃ શક્તિને પણ વિનંતી કરું છું અને ક્ષત્રિય સમાજને કહુ છું કે, ઔદાર્ય તેમના સમાજનું ઘરેણું છે.’
તેમણે પાર્ટી માટે જણાવતા કહ્યુ કે, ‘મોદી સાહેબને પણ આ ઘટનાને કારણે સાંભળવુ પડ્યુ હશે તે પણ મારા માટે પીડાદાયક વિષય છે. નમ્રતાપૂર્વક મારી માફીને પ્રસ્તૃત કરીને ક્ષત્રિય સમાજને વિનંતી કરું છુ કે, દેશ જ્યારે વિકસિત ભારત તરફ જઇ રહ્યો છે ત્યારે મારી ભૂલને કારણે ક્ષત્રિય સમાજ દેશના વિકાસ માટે આગ્રેસર ભૂમિકામાં આગળ વઘે તેવું નમ્ર નિવેદન છે.’રૂપાલાએ એમ પણ કહ્યુ કે, ‘મારી ભૂલને કારણે સર્જાયેલા વમળોથી અમારા કેટલાક સાથીદારોને પણ સહન કરવાનું આવ્યુ હશે તે માટે મારી દિલગીરી વ્યક્ત કરું છુ.’