નવીદિલ્હી, રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી લિકર પોલિસી સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મનીષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી ૨૧ મે સુધી લંબાવી છે. હવે આ કેસની આગામી સુનાવણી રાઉઝ એવન્યુ કોર્ટમાં ૨૧મીએ થશે. અગાઉ, રાઉઝ એવન્યુ કોર્ટે સીબીઆઈ કેસમાં સિસોદિયાની ન્યાયિક કસ્ટડી ૧૫ મે સુધી લંબાવી હતી.
બીજી તરફ સિસોદિયાની જામીન અરજી પર આજે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. હાઈકોર્ટે ઈડી અને સીબીઆઈને જવાબ દાખલ કરવા માટે વધુ ચાર દિવસનો સમય આપ્યો છે. હવે હાઇકોર્ટમાં ૧૩ મેના રોજ સુનાવણી હાથ ધરવામાં આવશે. ઈડીએ જવાબ દાખલ કરવા માટે સમય માંગ્યો હતો. ઈડીએ કહ્યું કે અમને જવાબ દાખલ કરવા માટે એક અઠવાડિયાનો સમય જોઈએ છે કારણ કે તપાસ અધિકારી હાલમાં આ કેસમાં બીજી ફરિયાદ પર કામ કરી રહ્યા છે.
હાઈકોર્ટમાં મનીષ સિસોદિયા વતી હાજર રહેલા એડવોકેટ વિવેક જૈને ઇડી સીબીઆઇની માંગનો વિરોધ કર્યો હતો. હાઈકોર્ટે સીબીઆઇ અને ઈડીને ચાર દિવસનો સમય આપ્યો છે. હવે આ કેસની સુનાવણી ૧૩ મેના રોજ થશે. છેલ્લી સુનાવણી પર હાઈકોર્ટે ઈડી અને સીબીઆઈને નોટિસ પાઠવી તેમનો જવાબ માંગ્યો હતો. ૩૦ એપ્રિલે સિસોદિયાએ દિલ્હી હાઈકોર્ટમાં તેમની જામીન અરજી ફગાવી દેવાના રાઉઝ એવન્યુ કોર્ટના નિર્ણયને પડકાર્યો હતો.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન બંને દિલ્હી લિકર પોલિસી કેસમાં સિસોદિયાની ભૂમિકાની તપાસ કરી રહ્યા છે. દિલ્હીના પૂર્વ ડેપ્યુટી સીએમ કોની ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ધરપકડ કરવામાં આવી હતી. હાલમાં સિસોદિયા તિહાર જેલમાં બંધ છે.