શહેરા વિધાનસભાની ચૂંટણીને લઈને 293 મતદાન મથકના સ્ટાફને ચૂંટણીલક્ષી તાલીમ અપાઇ

  • શહેરા પાનમ ટોલ નાકા પાસે વિધાનસભાની ચૂંટણીને લઈને જિલ્લામાં પ્રવેશતા વાહનોનું એસએસટી ની ટીમ દ્વારા કડક ચેકિંગ કરાઈ રહયું.

શહેરા,

શહેરામાં વિધાનસભાની ચૂંટણીને લઈને વહીવટી તંત્ર સજ્જ બન્યુ છે. ચુંટણીના દિવસે 293 મતદાન મથકમાં ફરજ બજાવનાર સ્ટાફને કાંકરી ખાતે આવેલી સરકારી વિનયન કોલેજમાં તાલીમ ચૂંટણી અધિકારીની ઉપસ્થિતિમાં તજજ્ઞોની ટીમ દ્વારા આપવામાં આવી હતી.

શહેરામાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતા સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વિધાનસભાની ચૂંટણી 5 ડિસેમ્બરના રોજ યોજાનાર છે. ત્યારે વિધાનસભા મત વિસ્તારમાં આવેલા 293 મતદાન મથકમાં ફરજ બજાવનાર સ્ટાફ કામગીરીથી વાકેફ થાય તે માટે સરકારી વિનયન કોલેજ કાંકરી ખાતે બે દિવસ માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચૂંટણીલક્ષી તાલીમમાં ઊપસ્થિત મતદાન મથકના સ્ટાફને તજજ્ઞો દ્વારા તાલીમ દરમિયાન ઇવીએમ મશીન કઈ રીતે ઓપરેટ કરવું તે સહિત વૈધાનિક અને બિનવૈધાનિક બાબતોની સમજ આપીને ચાલુ મતદાન વખતે કરવામાં આવતી કામગીરી અંગેની સંપૂર્ણ સમજ આપવામા આવી હતી. વિધાનસભા બેઠક 124 ના ચૂંટણી અધિકારી એન.કે. પ્રજાપતિ અને મદદનીશ ચૂંટણી અધિકારી એન.બી. મોદીએ મતદાન મથકના સ્ટાફને માર્ગદર્શન સાથે જરૂરી સુચનાઓ પણ આપવામાં આવી હતી. તાલુકામાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીની રંગત જામી હોય ત્યારે ભાજપ દ્વારા જેઠાભાઈ ભરવાડને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા હોય જ્યારે આમ આદમી પાર્ટી માંથી તખતસિંહ સોલંકીને ઉમેદવાર તરીકે જાહેર કરવા સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા હજુ સુધી ઉમેદવારનું નામ જાહેર કરવામાં નહિ આવતા ચૂંટણી લડવાની ઈચ્છા ધરાવનાર હાલ દોડધામ કરી રહયા છે.