મુંબઇ, અભિનેતા અક્ષય કુમાર અને અરશદ વારસી ફિલ્મ ’જોલી એલએલબી ૩’ માટે ચર્ચામાં છે. આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે, જેની માહિતી હાલમાં જ અક્ષય કુમારે પોતે એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા શેર કરી હતી. હવે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ કાનૂની મુશ્કેલીમાં ફસાઈ ગઈ છે. ફિલ્મ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ ફિલ્મમાં વકીલો અને ન્યાયાધીશોની મજાક ઉડાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.
ફિલ્મ જોલી એલએલબી ૩ વિરુદ્ધ નોંધાયેલી ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે આ ફિલ્મમાં ન્યાયતંત્રનું અપમાન કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ ફરિયાદ જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ ચંદ્રભાને કરી છે. મંગળવારે કોર્ટમાં આ અંગે સુનાવણી થશે. અજમેર ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશને ’જોલી એલએલબી ૩’નું શૂટિંગ રોકવા માટે સિવિલ જજ અજમેર નોર્થની કોર્ટમાં અરજી દાખલ કરી છે.
બાર એસોસિએશનના પ્રમુખે વકીલો અને ન્યાયાધીશોની મજાક ઉડાવવા બદલ ફિલ્મના નિર્માતા-નિર્દેશક અને કલાકારો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદીએ કોર્ટને નોટિસ જારી કરવાની પણ વિનંતી કરી છે. ફિલ્મના શૂટિંગ પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે ફિલ્મના પહેલા શેડ્યૂલનું શૂટિંગ અજમેરમાં થઈ રહ્યું છે.
રિપોર્ટ્સ અનુસાર, ફિલ્મ વિરુદ્ધ ફરિયાદ કરવાનો નિર્ણય ’જોલી એલએલબી’ના પહેલા અને બીજા ભાગને યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે એવું લાગે છે કે ફિલ્મ નિર્માતા, દિગ્દર્શક અને અભિનેતા દેશના બંધારણની ન્યાયતંત્રની ગરિમા અને પ્રતિષ્ઠાનું બિલકુલ સન્માન કરતા નથી. ’જોલી એલએલબી ૩’નું શૂટિંગ અજમેરની ડીઆરએમ ઓફિસ સહિત આસપાસના વિસ્તારો અને ગ્રામીણ વિસ્તારોમાં ચાલી રહ્યું છે.