મુંબઇ, બોલીવુડના સૌથી પ્રિય યુગલોમાંના એક, રિતેશ દેશમુખ અને જેનેલિયા ડિસોઝા મહારાષ્ટ્રના લાતુરમાં મતદાન કર્યા પછી નાગરિક તરીકેની તેમની ફરજો નિભાવતા જોવા મળ્યા હતા. અભિનેત્રી જેનેલિયાએ આ દિવસને ’મહત્વપૂર્ણ’ ગણાવ્યો અને લોકોને વોટ કરવા વિનંતી કરી.
જેનેલિયાએ કહ્યું, ’આ તમારો અધિકાર છે અને જો તમે કોઈ બદલાવ ઈચ્છો છો તો તમારે વોટ કરવો જ જોઈએ.’ તમને જણાવી દઈએ કે, જે વીડિયો સામે આવ્યો છે, તેમાં જેનેલિયા અને રિતેશ એક્સાથે લાઈનમાં ઉભા રહીને વોટિંગ કરતા જોવા મળે છે. આ દરમિયાન રિતેશની માતા પણ બંને સાથે જોવા મળી હતી. જો કે રિતેશ અને જેનેલિયા બંને રાજકીય પરિવારોમાંથી આવે છે. રિતેશના પિતા મહારાષ્ટ્રના લોકપ્રિય મુખ્યમંત્રી હતા. અભિનેતાનો ભાઈ પણ રાજકારણમાં ઘણો સક્રિય છે.
રિતેશ દેશમુખ, વિવેક ઓબેરોય અને આફતાબ શિવદાસાની સાત વર્ષના અંતરાલ પછી બહુપ્રતિક્ષિત ફિલ્મ ’મસ્તી ૪’ માટે ફરી સાથે જોવા મળશે. કહેવાય છે કે ’મસ્તી ૪’ નામની ફિલ્મ આ ઉનાળામાં લોર પર જશે. રિતેશ દેશમુખે ૨૦૨૨માં ’વેદ’ સાથે ડિરેક્ટર તરીકે પોતાની ઓળખ બનાવી, જે બ્લોકબસ્ટર સાબિત થઈ. હવે અભિનેતા તેના આગામી દિગ્દર્શન સાહસ ’છત્રપતિ શિવાજી મહારાજ’ માટે તૈયાર છે. ’છત્રપતિ શિવાજી મહારાજ’ સિવાય તે અજય દેવગન સ્ટારર ’રેઈડ ૨’માં પણ જોવા મળશે. તે ફિલ્મમાં મુખ્ય વિલનની ભૂમિકા ભજવશે.
બીજી તરફ, જેનેલિયા દેશમુખ છેલ્લે જીયો સિનેમા પર રિલીઝ થયેલી ’ટ્રાયલ પીરિયડ’માં જોવા મળી હતી. તે જલ્દી જ આમિર ખાન સ્ટારર ફિલ્મ ’સિતારે જમીન પર’માં જોવા મળશે.