રાજ્યમાં લોક્સભાની ૨૫ બેઠકો માટે મતદાન યોજાયું હતું ત્યારે ભાજપ તેમજ કોંગ્રેસનાં દિગ્ગજ નેતા દ્વારા પરિવાર સાથે મતદાન કરી પ્રતિક્રિયા આપી હતી.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે મતદાન કર્યું હતું તેમણે તેમના પરિવારની સાથે મતદાન કર્યું હતું.કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, તેમના પુત્ર અને બીસીસીઆઇ સચિવ જય શાહ અને તેમની પત્ની સોનલ શાહે ગુજરાતના અમદાવાદમાં મતદાન મથક પર મતદાન કર્યું હતું.આ પહેલા તેઓ નારણપુરાના કામેશ્ર્વર મંદિરે પહોંચ્યા હતા, જ્યા તેમણે દર્શન કર્યા હતા. કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ મતદાન કર્યું હતું. રાજકોટ બેઠકનાં ઉમેદવાર રૂપાલાએ પરિવાર સાથે અમરેલીમાં મતદાન કર્યું હતું. અમરેલીનાં ઈશ્ર્વરીયા ગામે પરષોત્તમ રૂપાલાએ પરિવાર સાથે મતદાન કર્યું હતું. પરષોત્તમ રૂપાલા રાજ્યની હાઈપ્રોફાઈલ રાજકોટ બેઠકનાં ભાજપનાં ઉમેદવાર છે. કેબિનેટ મંત્રી ભીખુસિંહજુ પરમારે પરિવાર સાથે મતદાન કર્યું હતું. અરવલ્લીનાં મોડાસાનાં ચારણવાડા ગામે મતદાન કર્યું હતું. મતદાન કરવા પહોંચેલા ભીખુસિંહજીએ નિવેદન આપ્યું હતું કે તમામ મતદારોના દિલમાં નરેન્દ્ર મોદી છે.
નવસારી બેઠક પર વહેલી સવારથી મતદાને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મયપ્રદેશનાં રાજ્યપાલે નવસારીમાં મતદાન કર્યું હતું. મયપ્રદેશનાં રાજ્યપાલ મંગુભાઈ પટેલે મતદાનની ફરજ નિભાવી હતી.
ઉત્તર પ્રદેશનાં રાજ્યપાલ આનંદીબેન પટેલે મતદાન કર્યું હતું. આનંદીબેન પટેલે શીલજની પ્રાથમિક શાળામાં મતદાન કર્યું હતું.
શિક્ષણમંત્રી ર્ડા. કુબેર ડિંડોરે મતદાનની ફરજ નિભાવી હતી. મહીસાગરનાં ભંડારા ગામે રાજ્યનાં શિક્ષણમંત્રીએ મતદાન કર્યું હતું. શિક્ષણમંત્રીએ હાથમાં મોરપીંછ રાખી મતદાન કર્યું હતું. મહિસાગરનાં ભાજપનાં ઉમેદવાર જશવંતસિંહ ભાભોરની જંગી લીડથી જીતનો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મતદાન કર્યું હતું. સુરતનાં પિપલોદ વિસ્તારમાં હર્ષ સંઘવીએ મતદાન કર્યું હતું. રાજ્યનાં તમામ મતદાન મથકો પર વહેલી સવારથી મતદાનને લઈ ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજ્યનાં મોટાભાગનાં નેતાઓ વહેલી સવારે મતદાન માટે પહોંચ્યા હતા.
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મતદાન કર્યું હતું. અનિલ જ્ઞાન ગંગા શાળા ખાતે વિજય રૂપાણીએ પરિવાર સાથે મતદાન કર્યું હતું. મતદાન બાદ વિજય રૂપાણીઓએ નિવેદન આપ્યું હતું કે, વધુમાં વધુ મતદાન માટે પ્રયત્ન કરવામાં આવશે. ૪૦૦ પારના નારા સાથે લોકો વહેલી સવારથી ઉમટી રહ્યા છે. રાજકોટ બેઠક પર પરષોત્તમ રૂપાલા જંગી લીડથી જીતશે. ગરમી વધુ હોવાથી લોકોને વહેલું મતદાન કરવા અપીલ કરૂ છું.
બનાસકાંઠાનાં કોંગ્રેસનાં ઉમેદવાર ગેનીબેન ઠાકોરે મતદાન કર્યું હતું. માતા-પિતાનાં આર્શીર્વાદ લઈને મતદાન કર્યું હતું. મતદાન કરતા સમયે ગેનીબેન ભાવુક થયા હતા. બહોળા પ્રમાણમાં મતદાન માટે અપીલ કરી હતી. રાજકોટથી કોંગ્રેસનાં ઉમેદવાર પરેશ ધાનાણીએ મતદાન કર્યું હતું. અમરેલીનાં બહારપરાની શાળામાં પરિવાર સાથે મતદાન કર્યું હતું. મતદાતાઓ સાથે લાઈનમાં ઉભા રહી પરેશ ધાનાણીએ મતદાન કર્યું હતું.
ગાંધીનગરમાં કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે મતદાન કર્યું હતું. કર્મચારીની પેનને લઇ શક્તિસિંહ ગોહિલે કર્મચારીની ઝાટકણી કાઢી.કેસરી પેન લઈને બેઠેલા એક સરકારી કર્મચારી સામે આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી હતી. એટલું જ નહીં ગુજરાતના જે જે બુથોની અંદર આવી ભાજપના સિમ્બોલ સાથેની પેન કે અન્ય સાહિત્ય સાથે બેઠેલા સરકારી કર્મચારીઓ સામે ચૂંટણી તંત્ર પોલીસ કેસ કરે તેવી માગણી પણ કરી છે.